ગુજરાતમાં મોસમનો સરેરાશ ૫૩.૩૯% વરસાદ: કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ૧૮ તાલુકામાં ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩.૩૯ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં ૬૩.૩૫ ટકા ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં ૫૬.૩૨ ટકા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૫૨ ટકાથી વધુ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૦.૦૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
૧૪૧ તાલુકામાં ૨૫૧થી ૫૦૦ મિમિ સુધી વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર ચોમાસા દરમિયાન રાજ્યના ૧૪૧ તાલુકામાં ૨૫૧થી ૫૦૦ મિમિ સુધી, ૫૫ તાલુકામાં ૫૦૧થી ૧૦૦૦ મિમિ તેમજ ૧૮ તાલુકામાં ૧૦૦૦ મિમિથી વધુ એટલે કે ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને જોડિયા સાડા ત્રણ ઇંચથી વધુ, જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકામાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ અને વાપી તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
NDRFની ૧૨ અને SDRFની ૨૦ ટુકડીઓ ડીપ્લોય કરાય
ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની ૧૨ ટુકડીઓ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે NDRFની વધુ ૩ ટુકડીઓને રીઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત SDRFની ૨૦ ટીમ સિવાય ૧૩ ટીમને હેડ ક્વાર્ટર ખાતે રીઝર્વ મુકવામાં આવી છે. રાજ્યના માછીમારોને પણ આગામી તા. ૨૨ જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.
આપણ વાંચો: ઘાટલોડીયામાં ગાયત્રી એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટ્યો, એક મહિલા ઈજાગ્રસ્ત
૧૪ હજારથી વધુ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત
આ ચોમાસાની સીઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ ૧૪,૫૧૫ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ, પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવ્યા છે.