કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે, જુઓ આંકડા

અમદાવાદઃ કસ્ટોડિયલ ડેથ મુદ્દે ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના આંકડા પ્રમાણે, ગુજરાતમાં છ વર્ષમાં કસ્ટોડિયલ ડેથના 95 કેસ નોંધાયા છે. રાજ્યમાં 201-22માં સૌથી વધુ 24 અને 2019-20માં સૌથી ઓછા 12 કસ્ટોડિયલ ડેથ થયા હતા.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કસ્ટોડિયલ ડેથને માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન અને રાજ્ય સરકારની નિષ્ફળતા ગણાવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં કસ્ટોડિયલ મૃત્યુના સમાચારને યાદ કરીને, તેમણે આક્ષેપ કર્યો કે મોટાભાગના ભોગ બનનારાઓ પછાત વર્ગોમાંથી આવે છે. તેમણે સરકાર પર દોષિતોને બચાવવાનો પણ આરોપ મૂક્યો હતો. તેમણએ કહ્યું કે, ભલે સુપ્રીમ કોર્ટે તમામ પોલીસ સ્ટેશનો અને સીબીઆઈ (CBI) તેમજ અન્ય પૂછપરછ એજન્સીઓની ઓફિસોમાં સીસીટીવી (CCTV) અને રેકોર્ડિંગ મશીનો ફરજિયાત કર્યા હોય, પરંતુ તેનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવ્યો નથી.
કોંગ્રેસ તમામ કસ્ટોડિયલ ડેથની સ્વતંત્ર તપાસ અને કેસોની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણીની માગ કરી હતી. તેમજ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની માગ કરી હતી.
રાજ્યમાં કયા વર્ષે કેટલા કસ્ટોડિયલ ડેથ થયા
2017-18: 14
2018-19: 13
2019-20: 12
2020-21: 17
2021-22:24
2022-23: 15
સોર્સઃ NHRC
કસ્ટોડિયલ ડેથ કોને કહેવાય?
ભારતીય બંધારણ દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર આપે છે. કોઈ પણ વ્યક્તિનો જીવ લેવા કે તેને અતિશય ત્રાસ આપવાનો અધિકાર પોલીસને નથી. છતાં, ક્યારેક હિંસક પૂછપરછ, યોગ્ય સારવારનો અભાવ કે અન્ય કારણોસર કસ્ટડીમાં મોત થાય ત્યારે આવા કેસને કસ્ટોડિયલ ડેથ કહેવાય છે.
કસ્ટડીમાં વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની હિંસા કે માનવ અધિકારનું ઉલ્લંઘન ગંભીર ગુનો ગણાય છે. જો કસ્ટડીમાં કોઈનું મૃત્યુ થાય તો તેની જવાબદારી સંબંધિત પોલીસ અધિકારી અને સમગ્ર પોલીસ વિભાગ પર આવે છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન મુજબ, આવા બનાવોની તરત માહિતી કમિશનને આપવી ફરજિયાત છે. તેમજ મૃતકના પરિવારજનોને ન્યાય મળે તે માટે મેજિસ્ટ્રેટ દ્વારા સ્વતંત્ર તપાસ કરાવવી જરૂરી છે.
આ પણ વાંચો…કપાસ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે: ૭૧ લાખ ગાંસડીનું ઐતિહાસિક ઉત્પાદન



