Gujarat માં પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના…

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)છેલ્લા બે દિવસથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં અતિભારે વરસાદથી લઇને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આજે હવામાન વિભાગની આગાહી
હવામાનની અગાહી મુજબ રાજ્યમાં આજે 24મી ઑગસ્ટ શનિવારે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી,સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રવિવારે અને સોમવારે વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તથા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં 24 કલાકમાં 153થી વધુ તાલુકામાં વરસાદ
ગઈકાલે 24 કલાકમાં રાજ્યના 153થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વડગામમાં 4 ઇંચથી વધુ,ખેડાના નડિયાદમાં 4 ઇંચ, મેઘરજમાં 4 ઇંચ, અમરેલીના બગસરામાં 4 ઇંચ ,ખેડાના મહુધામાં પોણા 4 ઇંચથી વધુ ,દહેગામમાં પોણા 4 ઇંચ ,અમીરગઢમાં પોણા 4 ઇંચ,ગોધરા, સાગબારામાં પોણા 4 ઇંચ ,હિંમતનગર, પોશીના, કપડવંજમાં 3 ઇંચ ,મોડાસા, કંડાણા, કાલોલમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.