ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદઃ નર્મદા ડેમ 83 ટકા ભરાયો

અમદાવાદઃ ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ રાજ્ય પરથી દૂર થઈ હોવાનું જણાવી ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ દ્વારા માછીમારોને 6 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં સરેરાશ વરસાદ 63 ટકા થયો છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
આપણ વાંચો: ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટશે, 24 કલાકમાં 34 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ…
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં 30 ડેમ 100 ટકા ભરાયેલા છે અને 52 ડેમ હાઈ એલર્ટ પર છે. આ ઉપરાંત રાજ્યમાં 66 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા, 37 ડેમ 50 થી 70 ટકા વચ્ચે ભરાયેલા, 39 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જ્યારે 34 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.
રાજ્યમાં 23 ડેમ એલર્ટ અને 21 ડેમ વોર્નિંગ પર છે. રાજ્યમાં હજુ પણ 50 રોડ રસ્તા બંધ છે. પંચાયત હસ્તકના 45, સ્ટેટ હાઇવે 2, અન્ય માર્ગો 2 તથા નેશનલ હાઇવે 1 મળી કુલ 50 રોડ રસ્તા બંધ છે.
રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 43 તાલુકામાં વરસાદ પડ્યો હતો. મહેસાણાના જોટાણામાં સૌથી વધુ 1.02 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નેત્રંગમાં 0.35 ઇંચ, તળાજામાં 0.31 ઇંચ, તિલકવાડામાં 0.28 ઇંચ, કપરાડામાં પણ 0.28 ઇંચ વરસાદ વરસ્યો હતો.