
અમદાવાદઃ બંગાળની ખાડીમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યભરમાં વ્યાપક વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી હતી. રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
75 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ
વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.95 ઈંચ વરસાદ વરસ્યો હતો. કરજણમાં 1.5 ઈંચ, ધરમપુરમાં 1.42 ઈંચ, ઓલપાડમાં 1.22 ઈંચ, બારડોલીમાં 1.06 ઈંચ, પારડીમાં 1.06 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં એક તાલુકામાં બે ઈંચથી વધારે, પાંચ તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. 75 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
આપણ વાંચો: ગુજરાતમાં આજે સર્વત્ર ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું…
49 ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યમાં સરેરાશ વરસાદ 55.74 ટકા થયો છે. કચ્છમાં સૌથી વધુ 64.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.07 ટકા, પૂર્વ મધ્યમાં 51.65 ટકા, સૌરાષ્ટ્રમાં 54.27 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 60.39 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર ડેમ 60.24 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 61.39 ટકા ભરાયેલા છે. રાજ્યમાં 29 ડેમ 100 ટકા ભરાયેલા છે, જ્યારે 49 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં એક સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 41 રસ્તા, એક નેશનલ હાઈવે અને બે અન્ય માર્ગો મળીને કુલ 45 રસ્તા બંધ છે.