ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેરઃ બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 4.17 ઈંચ વરસાદ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. છેલ્લા 12 કલાકમાં બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં સવારે 6 થી સાંજે 6 કલાક દરમિયાન 128 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 4.17 ઈંચ વરસાદ વરસ્યો હતો. લાખણીમાં 2.76 ઈંચ, અમીરગઢમાં 2.68 ઈંચ, પાલનપુરમાં 2.56 ઈંચ, ડિસામાં 2.28 ઈંચ, મોરબીમાં 2.20 ઈંચ, ધોરાજીમાં 1.97 ઈંચ, દાંતીવાડામાં 1.77 ઈંચ, દાંતીવાડામાં 1.69 ઈંચ, નડિયાદમાં 1.69 ઈંચ વરસાદ પડ્યો હતો.
આપણ વાંચો: હવામાન વિભાગે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી, ઉત્તર ગુજરાતમાં બેટિંગ શરૂ
110 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ
રાજ્યમાં એક તાલુકામાં ચાર ઈંચથી વધારે, પાંચ તાલુકામાં બે ઈંચથી વધારે, 12 તાલુકામાં એક ઈંચથી વધારે અને 110 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો. રાજ્યના માછીમારોને પણ આગામી તા. 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
દાંતા અને લાખણીમાં વરસાદથી જળબંબાકાર
બનાસકાંઠાના દાંતા અને લાખણીમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લાખણીની બજારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદમાં પાટણ શહેરના પારેવા સર્કલથી ખારકશા પીર જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન થયા હતા. પાલનપુરમાં હાઇવે ઉપર પાણી ભરાયા હતા.