ગુજરાતમાં વરસાદ ખેંચાયોઃ 33 ટકા ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સરદાર સરોવર ડેમ તેની સંગ્રહ ક્ષમતાનો 75.28 ટકા ભરાયેલો છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા હાલ 33 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.
રાજ્યમાં 30 ડેમ 100 ટકા ભરાયેલા છે, જ્યારે 73 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 35 ડેમમાં 50 થી 70 ટકા વચ્ચે જળસંગ્રહ છે. આ સિવાય 35 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યમાં 51 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 27 ડેમ એલર્ટ અને 25 ડેમ વોર્નિંગ પર છે.
આપણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 64.48 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 65.17 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, પૂર્વ મધ્યમાં 66.62 ટકા, સૌરાષ્ટ્રમાં 56.41 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 68.95 ટકા વરસાદ વરસ્યો છે.
માછીમારોને 15 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા આઈએમડી દ્વારા સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં પંચાયત હસ્તકના 28 સહિત કુલ 32 રોડ રસ્તા હજુ પણ બંધ છે.
આપણ વાંચો: ગુજરાતમાં ચાર દિવસ ગરમી પડશે, 15 ઓગષ્ટ બાદ વરસાદની શક્યતા
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું કે, એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.
આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જેના કારણે રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધી શકે છે. 15 અને 16 તારીખે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં સૌથી વધુ 0.55 ઇંચ વરસાદ પડ્યો હતો. કુતિયાણામાં 0.35 ઇંચ, સુત્રાપાડામાં 0.35 ઇંચ, લોધિકામાં 0.31 ઇંચ, ધોરાજીમાં 0.31 ઇંચ, જામકંડોરણામાં 0.28 ઇંચ, કોડિનારમાં 0.28 ઇંચ, જેતપુરમાં 0.24 ઇંચસ વિસાવદરમાં 0.24 ઇંચ, બગસરામાં 0.24 ઇંચ વરસાદ વરસ્યો હતો.