ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી: 168 તાલુકામાં મેઘમહેર, ધોરાજીમાં 3 ઇંચ વરસાદથી પાકને જીવતદાન

અમદાવાદ: ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પહેલા જ મેઘરાજાએ પોતાની પધરામણી કરી હતી. એકતરફ લોકમેળાના આયોજનમાં આ વરસાદ એક વિઘ્ન બન્યો હતો પરંતુ સુકાઈ રહેલા પાક માટે આ વરસાદ જીવનદાન બનીને આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ૧૬૮ તાલુકાઓમાં મેઘમહેર નોંધાઈ હતી. સૌથી વધુ વરસાદ રાજકોટના ધોરાજીમાં 2.95 ઇંચ નોંધાયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 2.95 ઇંચ નોંધાયો હતો, જયારે જૂનાગઢના માળિયા હાટીનામાં 2.64 ઇંચ વરસાદ નોંધાયો હતો.
તે ઉપરાંત કામરેજમાં 1.89 ઇંચ, જૂનાગઢ શહેર અને તાલુકામાં 1.77 ઇંચ, ધાનેરા અને સુબીરમાં 1.73 ઇંચ, તાલાલામાં 1.54 ઇંચ, વ્યારામાં 1.5 ઇંચ, પારડીમાં 1.3 ઇંચ, સિદ્ધપુર અને મુળીમાં 1.1 ઇંચ વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. રાજકોટના ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી થઈ હતી અને કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેધરાજાની મહેર જોવા મળી હતી.
આપણ વાંચો: મેળાની મોજ બગાડશે મેઘરાજા? પરેશ ગોસ્વામીએ કરી આવી ખતરનાક આગાહી…
તે ઉપરાંત જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ ખાબક્યો હતો, અને તેના કારણે ભારે વરસાદથી દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ હતી.
સરદાર સરોવર ડેમના ઉપરવાસના વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ હતી અને તાજેતરના આંકડાઓ અનુસાર ડેમમાં 1,23,686 ક્યુસેક પાણીની ઉપરવાસમાંથી આવક નોંધાઈ હતી, જેના કારણે નર્મદા ડેમની હાલની સપાટી વધીને 131.02 મીટર સુધી પહોંચી ગઈ હતી. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર સુધી પહોંચતા થોડી બાકી છે.