અમદાવાદટોપ ન્યૂઝ

પહેલગામ આતંકી હુમલાના પડઘા ગુજરાતમાં પડ્યા: અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યમાં ઉગ્ર વિરોધ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતભરમાં જોવા મળી રહ્યા છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુને પગલે રાજ્યના વિવિધ શહેરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં વિએચપી અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં પાલડી ચાર રસ્તા ખાતે એકઠા થયા હતા અને આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

રાજકોટમાં આતંકવાદીઓના પૂતળાનું દહન
રાજકોટમાં પણ હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શહેરના ત્રિકોણ બાગ ખાતે VHP અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ VHP પ્રમુખ અશોક રાવલે જણાવ્યું હતું કે પહેલગામના આ હુમલામાં 26 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કેન્દ્ર સરકારને આતંકવાદીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે મુસ્લિમ સમાજના લોકોને પણ આગળ આવી આતંકવાદની નિંદા કરવા અપીલ કરી હતી.

વલસાડમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન
વલસાડમાં પણ પહેલગામના હુમલાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શ્રીરામ સેવા સમિતિ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો અને બેનરો સાથે આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ આ હુમલાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળ્યું હતું અને ત્યારબાદ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદીઓના પોસ્ટર અને પૂતળાનું દહન કર્યું હતું.

ભાવનગર અને જુનાગઢમાં વિરોધ
ભાવનગરમાં પણ આતંકી હુમલાને લઈને લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. અહીં લોકોએ આતંકવાદીઓનું પૂતળું સળગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં ભાવનગરના પણ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાળવા ચોક ખાતે આતંકવાદીઓના પૂતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું અને આતંકવાદીઓ પર સર્જીકલ સ્ટ્રાઈક કરવાની માંગણી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button