Gujarat માં બાંધકામ નિયમોમાં એકસૂત્રતા જાળવવા પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એકટ-19, 2006 રદ

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)બાંધકામ નિયમોમાં એકસૂત્રતા જાળવવા માટે ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એકટ-19 2006 રદ કરવામાં આવ્યો છે. આ અંગે વિધાનસભામાં જણાવતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગુજરાતમાં અગાઉથી અમલી અને હાલમાં અપ્રસ્તુત એવા ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર્સ એક્ટ-19, 2006ને વિધાનસભા ગૃહમાં રદ કરવામાં આવ્યો છે. રાજ્યમાં વર્ષ 2017માં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બાંધકામના માપદંડો અને પરવાનગી માટે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે હેતુથી ‘કોમ્પ્રીહેન્સીવ જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, 2017’- CGDCR-2017નો અમલ કરવામાં આવ્યો હતો.
કચ્છના વિનાશક ભૂકંપ બાદ એક્ટ અમલી બન્યો હતો
મંત્રીશ્રીએ કહ્યું હતું કે,વર્ષ 2001માં આવેલા ભયંકર ભૂકંપે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે કુદરતી આફત સર્જી હતી. આ કુદરતી આપત્તિમાં મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા હતા.વર્ષ 2001ના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં થયેલ જાનહાનીને જોતાં મકાનોની ડિઝાઈન અને બાંધકામ સુરક્ષિત હોત તો માનવજીવનને થયેલ નુકશાન ટાળી શકાયુ હોત એમ રાજ્ય સરકારના ધ્યાન પર આવ્યું હતું, તેથી વ્યવસાયી સિવિલ એન્જિનીયર્સને રજિસ્ટર કરવા તથા ગુજરાતના પ્રોફેશનલ સિવિલ એન્જિનીયર્સની ગુણવત્તા સુધારવા અને સુદ્રઢ બનાવવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પ્રોફેશનલ સીવીલ એન્જીનીયર્સ એક્ટ-19, 2006 લાગુ પાડવામાં આવ્યો હતો.
સહકાર મંત્રી વિશ્વકર્માએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે,હાલની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં બિન ઉપયોગી અનેક કાયદાઓ રદ કર્યા છે.
CGDCR-2017માં રજિસ્ટ્રેશન અને અમલીકરણ બંનેની જોગવાઇ
મંત્રીશ્રીએ અગાઉના અને હાલમાં અમલી કાયદાની તુલના કરતાં કહ્યું હતું કે,જીપીસીઇ એક્ટ-19માં ફક્ત રજીસ્ટ્રેશનની જ જોગવાઇ હતી. જ્યારે CGDCR-2017માં રજિસ્ટ્રેશન અને અમલીકરણ બંને જોગવાઇઓ કરવામાં આવી છે. જીપીસીઇ એક્ટ-19, 2006માં રજિસ્ટ્રેશન માટેની ફ્ક્ત 2 કેટેગરીઓ જ હતી. જેમાં સિવિલ એન્જિનિયરિંગ (જનરલ) અને સિવિલ એન્જિનિયરિંગ (સ્ટ્રક્ચરલ ડિઝાઇન)નો સમાવેશ થાય છે. જ્યારે CGDCR-2017માં 11 ગ્રેડ સાથે નોંધણીની સાત શાખાઓ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કેટલા ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લીધો લાભ?
થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દ્વારા સ્ટ્રક્ચરલ સેફ્ટી રિપોર્ટ જમા કરાવવો ફરજિયાત
મંત્રી જગદીશ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત CGDCR-2017માં હાઇરાઇઝ બીલ્ડીંગ્સ એટલે કે 45 મીટરથી વધુ ઉંચાઇની કોઈપણ બિલ્ડિંગના બાંધકામ માટે હાઇરાઇઝ બીલ્ડીંગ્સ કમીટી રચના કરવામાં આવે છે. જેને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દ્વારા સ્ટ્રક્ચરલ સેફ્ટી રિપોર્ટ જમા કરવવાની ફરજિયાત જોગવાઇ છે. જ્યારે જીપીસીઇ એક્ટ-19, 2006માં આવી કોઇ જોગવાઇ ન હતી.તદ્દઉપરાંત CGDCR-2017માં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પ્રોસિજર, બિલ્ડિંગ પ્લાનીંગ અને બિલ્ડિંગ પરફોર્મન્સ રેગ્યુલેશન અંગેની ઘણી બધી જોગવાઇઓ કરવામાં આવી છે.