Top Newsઅમદાવાદ

રાજુ કરપડાએ AAPના કયા નેતાઓ સામે કર્યા આક્ષેપો? પાર્ટી છોડવા માટે શું આપ્યું કારણ

અમદાવાદઃ રાજુ કરપડાએ ગઈકાલે આમ આદમી પાર્ટી (AAP) સાથે છેડો ફાડ્યો હતો. આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણ પક્ષના નેતાઓ સામે આક્ષેપો કર્યા હતા. તેમજ પાર્ટી છોડવા માટેનું કારણ પણ જણાવ્યું હતું.

શું બોલ્યા કરપડા

રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઈટાલિયા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ગોપાલ ઈટાલિયા છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આગળ નહીં આવે. જેલમાં અમને પક્ષ તરફથી વકીલ અપાયો નહોતો. અમે જેલમાં જ રહીએ તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે મોટો થવાનો પ્રયાસ કરશે તેને મારી જેમ પતાવી દેશે.

રાજુ કરપડાને ભાજપમાં જોડાવા નિમંત્રણ
ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ તેમને ભાજપમાં જોડવા નિમંત્રણ આપ્યું હતું. વરમોરાએ કહ્યું, જો રાજુભાઈએ પરિવર્તન લાવવાનો વિચાર કર્યો હોય તો તેમનું સ્વાગત છે. ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીયા પાર્ટી છે, જે સતત વિકાસના એજન્ડા પર કામ કરી રહી છે. હું એક પક્ષના કાર્યકર અને પ્રચારક તરીકે રાજુભાઈને ભાજપમાં જોડાવા નિમંત્રણ આપું છું.

ભાજપે તેમને કેસરિયો ધારણ કરવા નિમંત્રણ આપતા તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે રાજુ કરપડાનું આગામી પગલું શું રહેશે તેના પર સૌની નજર રહેશે.

કોણ છે રાજુ કરપડા

રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે. રાજુ કરપડા 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો પરાજય થયો હતો. પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવીને રાજુ કરપડા સૌપ્રથમ લાઇમલાઇટમાં આવ્યા હતા.

2018 બાદ રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા. તેમની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી .તેમણે શરૂઆતમાં જમીન માપણીના પ્રશ્નોના મુદ્દે આંદોલનો કર્યાં હતાં. તે ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યાં, જે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા જ હતા.

2021-22માં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. 2022માં તેમને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. 11 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમણે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.

રાજુ કરપડા પર કેસ અને વિવાદો

ચૂંટણીપંચ સમક્ષ તેમણે 2022માં દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ તેમની સામેના ત્રણ ફોજદારી કેસો નોંધાયેલા છે. બે કેસ મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને ત્રીજો કેસ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. આ ઉપરાંત બોટાદમાં થયેલી હિંસા મામલે પણ એફઆઈઆરમાં તેમનું નામ મુખ્ય આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button