અમદાવાદટોપ ન્યૂઝ

ખાખીને દાગ: છેલ્લા અઠવાડિયામાં ગુજરાત પોલીસમાં નશા, અકસ્માત, છેડતી અને ગુંડાગીરીના કિસ્સાઓથી ખળભળાટ!

અમદાવાદ: ગુજરાત પોલીસની ‘ખાખી’ વર્દીની શાખને દાગ લગાડતા અનેક બનાવો તાજેતરમાં સામે આવ્યા છે, જેણે નાગરિકોમાં ચિંતા અને રોષ વ્યાપક બનાવ્યો છે. આજે અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હતો, જ્યારે અન્ય કિસ્સાઓમાં પોલીસકર્મીઓ દ્વારા છેડતી, ગુંડાગીરી અને નિર્દયતાપૂર્વકના મારપીટના બનાવોએ પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા કર્યા છે.

નશામાં ધૂત પોલીસકર્મીઓએ સર્જ્યા અકસ્માત

તાજેતરમાં, અમદાવાદના રાણીપ વિસ્તારમાં બકરા મંડી પાસે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ નશામાં ધૂત હાલતમાં કાર ચલાવીને 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના થોડા દિવસો અગાઉ વડોદરા નજીક છાણી બ્રિજ પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બ્રેઝા કારના ચાલક પીએસઆઈ યોગેન્દ્રસિંહ હરીસિંહ પઢીયારે નશામાં ધૂત થઈને 3 વાહનોને અડફેટે લીધા હતા, જેના પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, અમદાવાદના સાઉથ બોપલમાં આવેલ વીઆઈપી રોડ પર બે દિવસ પહેલા નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી હતી. નવાઈની વાત એ છે કે, અકસ્માત કર્યા બાદ કાર ચાલકે કથિત રીતે પોતાની પીઆઈ તરીકેની ઓળખ પણ આપી હતી અને ટોળું એકઠું થઈ જતાં પૈસા આપીને પતાવટની ઓફર કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ પણ વાંચો: ખાખીને કરી શર્મશારઃ સબ ઈન્સ્પેક્ટરે પાંચ વર્ષની બાળકીને પીંખી, લોકોએ કરી ધોલાઈ

પોલીસકર્મીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુંડાગીરી:

અકસ્માતો ઉપરાંત, પોલીસકર્મીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. બાબરામાં રહેતી એક સગીરાએ રવિરાજસિંહ ચૌહાણ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપીએ પોતાને પોલીસમાં નોકરી કરતો હોવાનું કહી સગીરા અને તેની માતાને હેરાન કરવાની ધમકી આપી હતી. સ્નેપચેટ પર વાતચીત કરીને, યુવકે સગીરાનું વાલીપણામાંથી અપહરણ કરીને તેની સાથે અડપલાં કર્યા હતા અને મરજી વિરુદ્ધ એક વખત શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

બે પોલીસકર્મીઓએ એક યુવકને લાકડીથી ઢોર માર માર્યો

વળી, અમદાવાદમાં પોલીસની ગુંડાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. હીરાભાઈ માર્કેટમાં દીવાન બલ્લુભાઈ રોડ પર બે પોલીસકર્મીઓએ એક યુવકને લાકડીથી ઢોર માર માર્યો હતો. રોંગ સાઈડમાં આવવા જેવી સામાન્ય બાબતે પોલીસે યુવકને નિર્દયતાપૂર્વક માર મારીને અધમૂઓ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે, જેણે પોલીસની દાદાગીરીનો ભયાવહ ચહેરો ઉજાગર કર્યો છે.

રક્ષક જ ભક્ષક બની રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ

આ ઘટનાઓએ ગુજરાત પોલીસની છબીને નુકસાન પહોંચાડ્યુ છે. આવી ઘટનાઓથી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ઘટી રહ્યો છે અને કાયદો અને વ્યવસ્થાના રક્ષકો જ ભક્ષક બની રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસ વિભાગ દ્વારા આવા બનાવોને ગંભીરતાથી લઈ, દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસકર્મીઓમાં શિસ્ત અને જવાબદારીની ભાવના પુનર્સ્થાપિત કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button