ગુજરાત પોલીસના આધુનિકીકરણ માટે અમદાવાદમાં 202 કરોડના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત

અમદાવાદ : ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે ૨૦૨.૮૫ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં અમદાવાદના છારોડી ખાતે ૪૭.૯૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે ૩૩.૪૯ કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઈન ખાતે ૭૪.૬૨ કરોડના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે ૩૯.૬૮ કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘા ખાતે ૫.૭૪ કરોડના ખર્ચે ડૉગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને ૧.૩૪ કરોડના ખર્ચે SRP ગ્રુપ-૨ ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો સુવિધા સભર હશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં સુધારો લાવશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો કરશે.
આપણ વાચો: ગુજરાત સરકારની આર્થિક હાલત ખરાબ હોવાથી પોલીસોનો પગાર મોડો થશે? જીતુ વાઘાણીએ શું કહ્યું ?
એટીએસ માટે સોનેરી દિવસ
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એટીએસ અને અમદાવાદ શહેર પોલીસના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે અમદાવાદ પોલીસ અને એટીએસ માટે સોનેરી દિવસ છે, કારણ કે એક જ દિવસમાં ૨૦૨.૮૫ કરોડ રૂપિયાના ખર્ચે સુરક્ષા અને આવાસના પ્રકલ્પો સાકાર થવા જઈ રહ્યા છે.
ગુજરાત એટીએસ આજે સાડા છ કરોડ ગુજરાતીઓના અતૂટ વિશ્વાસનું કેન્દ્ર છે. એટીએસ માત્ર આતંકી હુમલા સમયે જાગતી ફોર્સ નથી, પરંતુ ૩૬૫ દિવસ ૨૪ કલાક રાજ્યનો પ્રત્યેક નાગરિક સુરક્ષિત રહે અને દુશ્મનો આંખ પણ ન ઉઠાવી શકે તે માટે નિરંતર કામ કરતી એક ‘સાયલન્ટ ફોર્સ’ છે.
આપણ વાચો: ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ એ અભિયાન નહીં પણ ‘જંગ’ છે: હર્ષ સંઘવી
આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
તેમણે એટીએસની કામગીરીના વિવિધ પાસાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે, આપણી એટીએસ ટીમે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. માત્ર ગુજરાત જ નહીં, પણ અન્ય રાજ્યોમાં થયેલા હુમલાઓના આરોપીઓને પકડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
ઓનલાઇન માધ્યમોથી યુવાનોને કટ્ટરપંથી બનાવતા ‘ટેરર મોડ્યુલ્સ’નો પર્દાફાશ કરવામાં એટીએસને મળેલી સફળતા રાજ્યના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે અનિવાર્ય છે. પંજાબની જેલમાંથી ચાલતા નેટવર્કને તોડવું હોય કે બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા ૧૪થી વધુ રાજ્યોમાં ડ્રગ્સની ફેક્ટરીઓ પર દરોડા પાડવાના હોય, એટીએસના જવાનોએ મહિનાઓ સુધી ઘર-પરિવારનો ત્યાગ કરીને આ ઓપરેશન્સ સફળ બનાવ્યા છે.
આપણ વાચો: ગુજરાત પોલીસ ક્રાઈમ ડીટેન્શન અને કોમ્યુનિટી આઉટરીચમાં પણ અવ્વલ…
વિશ્વસ્તરીય ટેકનિકલ સુવિધાઓથી સજ્જ કેન્દ્ર બનશે
દરિયાઈ સુરક્ષા અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૧૬૦૦ કિમીની દરિયાઈ સીમા પર તેજ લહેરો વચ્ચે પાકિસ્તાની ઘૂસણખોરો અને ડ્રગ્સ માફિયાઓની રાહ જોઈને બેસવું એ કોઈ નાની વાત નથી. ૭૫થી વધુ પાકિસ્તાનીઓને સીમા પર જ દબોચી લેવાનું કામ આપણા જવાનોએ કર્યું છે. રાજ્ય સરકાર એટીએસને માત્ર ટેકનિકલ રીતે જ નહીં પણ બજેટરી સહાયથી પણ વધુ સ્ટ્રોંગ બનાવવા કટિબદ્ધ છે.
નવું નિર્માણ પામનાર ભવન માત્ર એક ઈમારત નથી, પણ તે વિશ્વસ્તરીય ટેકનિકલ સુવિધાઓથી સજ્જ એક એવું કેન્દ્ર બનશે, જે ગુજરાતની સુરક્ષાને આગામી અનેક વર્ષો સુધી અભેદ્ય રાખશે. દેશ વિરુદ્ધ ષડયંત્ર રચનારાઓને જડબાતોડ જવાબ આપવા માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની રચના દ્વારા આ સંગઠનને વધુ મજબૂતી મળી
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા રાજ્ય પોલીસ વડા (DGP) શ્રી કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, સમાજ અને નાગરિકોની સુરક્ષા રાજ્ય પોલીસની પ્રાથમિકતા છે. પોલીસ વેલ્ફર અને લોકસેવા ક્ષેત્રે મજબૂતી આપનારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણે સૌ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છીએ.
રાજ્યની સુરક્ષા માટે સ્થપાયેલ ATS (Anti-Terrorist Squad) એક વિશિષ્ટ દળ તરીકે સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ જે રીતે ગંભીર પડકાર બની રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા એટીએસને અત્યાધુનિક વેપનરી, આધુનિક તાલીમ અને માનવબળથી સતત સજ્જ કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની રચના દ્વારા આ સંગઠનને વધુ મજબૂતી મળી છે.



