
અમદાવાદઃ રાજ્યની ઓળખ હવે માત્ર એશિયાટિક સિંહ પૂરતી જ નથી રહી. છેલ્લા આશરે એક વર્ષથી રાજ્યમાં વાઘની હાજરી જોવા મળી છે. જેના કારણે ગુજરાત દેશનું અને વિશ્વનું એકમાત્ર ત્રણ બિગ કેટ ધરાવતું રાજ્ય બની ગયું છે. રતનમહાલ વિસ્તારમાં વિચરણ કરી રહેલા વાઘે પોતાનો વિસ્તાર નોંધપાત્ર રીતે વધાર્યો છે.
રતનમહાલ અભ્યારણ્યમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો. જેની જાણ વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ(NTCA)ને જાણ કરવામાં આવી હતી. જેથી NTCAની ટીમે રતનમહાલ અભ્યારણની મુલાકાત લઈને વાઘની હાજરીની પુષ્ટી કરી હતી. આ સાથે NTCA દ્વારા વાઘ ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
રતનમહાલ વિસ્તારમાં વિચરણ કરી રહેલા વાઘે પોતાનો વિસ્તાર નોંધપાત્ર રીતે વધાર્યો છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વાઘની આ વ્યાપક હિલચાલ તેના પ્રાદેશિક વર્તન અને વાઘણની શોધ સાથે જોડાયેલી હોઈ શકે છે, કારણ કે આસપાસના વિસ્તારમાં કોઈ માદા વાઘ હોવાની પુષ્ટિ થઈ નથી.
આ વાઘે છેલ્લા એક મહિનામાં રતનમહાલ વન્યજીવ અભયારણ્યની મર્યાદિત હદ છોડીને અંદાજે 120 ચોરસ કિમી વિસ્તારને પોતાનો પ્રદેશ બનાવ્યો છે. વન અધિકારીઓના જણાવ્યા મુજબ, રતનમહાલની 25 કિમીની ત્રિજ્યામાં આવતા દેવગઢબારિયા, છોટાઉદેપુર, ડોલરિયા, સાગટાળા અને સુખી ડેમ વિસ્તારમાં વાઘ જોવા મળ્યો છે.

તાજેતરમાં છોટાઉદેપુરમાં લગાવવામાં આવેલા કેમેરા ટ્રેપમાં વાઘની તસવીર કેદ થતા તેની હાજરીની પુષ્ટિ થઈ છે. એક અધિકારીએ જણાવ્યું કે, “વાઘના આખા રસ્તા પર કેમેરા ટ્રેપ નથી, પરંતુ અમારા સ્ટાફે દેવગઢબારિયામાં પંજાના નિશાન જોયા છે, જે દર્શાવે છે કે પ્રાણી દાહોદ જિલ્લાની બહાર નીકળીને તેની આસપાસના જંગલ વિસ્તારોમાં ફરી રહ્યું છે.
વાઘ સાગટાળા, ડોલરિયા અને સુખી ડેમ જેવા વિસ્તારોમાં વારંવાર દેખાઈ રહ્યો છે, જે સૂચવે છે કે તે વિવિધ દિશાઓમાં ફરી રહ્યો છે અને જિલ્લાઓને જોડતા કોરિડોરનો ઉપયોગ કરી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, વાઘની હાલની હિલચાલ અગાઉના મહિનાઓ કરતા ઘણી વધારે છે. હવે તેનો વિસ્તાર છોટાઉદેપુર, દેવગઢબારિયા અને સાગટાળા સુધી ફેલાયેલો છે. વાઘે તેની રેન્જ વધારી છે, પરંતુ ઉનાળો શરૂ થતા જ તે ફરી રતનમહાલ પરત ફરે તેવી શક્યતા છે.
રતનમહાલના જંગલોમાં સાંભરની વાપસી
રતનમહાલના જંગલોમાંથી લુપ્ત થયાના 150 વર્ષ પછી સાંભર અને ચિતલ ફરીથી પાછા ફર્યા છે. આ વિસ્તારમાં વાઘ જોવા મળ્યા બાદ, વન વિભાગે છેલ્લા ત્રણ મહિનામાં આ જંગલોમાં 15 સાંભર અને 22 ચિતલ ફરીથી છોડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાંભર અને ચિતલોએ રતનમહાલના વાતાવરણમાં અનુકૂલન સાધી લીધું છે. આ પ્રાણીઓ આ જંગલની ઇકોસિસ્ટમનો ભાગ હતા, પરંતુ લાંબા સમય પહેલા અદૃશ્ય થઈ ગયા હતા. સાંભર લગભગ 150વર્ષ પહેલા લુપ્ત થયા હતા, જ્યારે ચિતલો છેલ્લા ચારથી પાંચ દાયકામાં અહીં જોવા મળ્યા નહોતા. વાઘ જોવા મળતાં રતનમહાલમાં નવા પ્રાણીઓ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાંભરને રતનમહાલ નજીકના સંવર્ધન કેન્દ્રમાંથી લાવવામાં આવ્યા હતા અને જંગલમાં છોડવામાં આવ્યા હતા.

વાઘણ લાવવા શું દલીલ કરવામાં આવી
મળતી વિગત પ્રમાણે, રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્રીય વન મંત્રાલયને પત્ર લખીને આશરે પાંચ વર્ષના આ વાઘ માટે વાઘણની માંગણી કરવામાં આવી છે. વન વિભાગે આ વાઘે ગુજરાતને પોતાનું ઘર બનાવ્યું હોવાની દલીલ કરી છે. આ વિનંતીને યોગ્ય ઠેરવતા સૂત્રોએ જણાવ્યું હતું કે વાઘ છેલ્લા 11 મહિનાથી એકલો રહે છે અને લાંબો સમય એકલો રહી શકતો નથી. ઉપરાંત, તેમની સંખ્યા વધારવા માટે પ્રજનન જરૂરી છે.
પૂરતો શિકાર હશે તો વાઘ રતનમહાલ નહીં છોડે
સૂત્રોએ જણાવ્યું કે, જો પૂરતો શિકાર ઉપલબ્ધ હશે, તો વાઘ રતનમહાલમાં જ રહેવાની શક્યતા વધુ છે. તાજેતરના મહિનાઓમાં રતનમહાલમાં જે ચિતલોને છોડ્યા હતા, તેમાંથી બેનો શિકાર વાઘે કર્યો છે. આ પરિણામોથી પ્રોત્સાહિત થઈને, વન વિભાગ એક મહિનામાં રતનમહાલમાં વધુ 15 સાંભર છોડવાની યોજના બનાવી રહ્યું છે. શિકાર શોધમાં દીપડાઓ ઘણીવાર ગામડાઓમાં આવી જાય છે, તેમને પણ જંગલમાં રાખવામાં મદદ મળશે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે વધુ પડતા શિકાર અથવા અન્ય સ્થળોએ ધીમે ધીમે સ્થળાંતર થવાને કારણે સાંભર અને ચિતલો રતનમહાલમાંથી અદૃશ્ય થઈ ગયા હતા. રતનમહાલ નજીક એક મોટું સાંભર સંવર્ધન કેન્દ્ર સ્થાપવાની યોજના બનાવવામાં આવી રહી છે. એકવાર તેમની સંખ્યા વધશે, પછી તેમને જંગલમાં છોડવામાં આવશે.
દાહોદ જિલ્લો, જ્યાં રતનમહાલ અભયારણ્ય આવેલું છે, તે મધ્યપ્રદેશના ઝાબુઆ-કાઠીવાડા પ્રદેશને અડીને આવેલો છે, જ્યાં લગભગ 785 વાઘ છે. વન અધિકારીઓના મતે, ત્યાંથી વાઘ સરળતાથી ગુજરાતમાં આવી શકે છે. અહીંનું પર્યાવરણ અને વાતાવરણ સમાન છે. પડોશી રાજ્યમાં વધતી વસ્તીને કારણે, તેમાંથી કેટલાક વધુ સલામતી અને જગ્યાની શોધમાં દૂર ખસી ગયા હશે.
આ વર્ષ પહેલાં, ગુજરાતમાં છેલ્લો વાઘ 2001 માં જોવા મળ્યો હતો, ત્યારબાદ તે ગાયબ થઈ ગયો હતો. હવે, આશા ફરી જાગી હોવાથી, ગુજરાતે વાઘના નિવાસસ્થાનના વિકાસ માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી પાસેથી માર્ગદર્શન માંગ્યું છે. 11 મહિના પહેલાં રતનમહાલમાં વાઘ જોવા મળ્યો ત્યારથી, રાજ્યનો વન વિભાગ કેમેરા ટ્રેપ અને ફિલ્ડ ટીમોનો ઉપયોગ કરીને સતત તેના પર નજર રાખી રહ્યો છે.
આ પણ વાંચો…વાઘને ટકાવી રાખવા રતનમહાલમાં 150 વર્ષ બાદ આ પ્રાણીની થઈ વાપસી!



