કેમ નથી વાંચતું ગુજરાતઃ સરકારી લાઈબ્રેરીમાં 43 લાખ બુક્સ, પણ સભ્ય આટલા જ…

અમદાવાદઃ ડિજિટલ ક્રાંતિને લીધે આંગળીના ટેરવે આખું વિશ્વ ખુલી જતું હોવાથી પુસ્તક હાથમાં લઈ વાંચન કરવાનું ચલણ ઘટી ગયું છે, પણ હાથમાં પુસ્તક લઈ વાંચવાથી એકાગ્રતા વધે છે, સ્ક્રીન ટાઈમ ઓછો થાય છે તેથી આંખોને પણ આરામ મળે છે. જોકે સરવાળે વાંચન જ ઓછું થયું છે અને તેની સાક્ષી પુરે છે સૂમસામ લાઈબ્રેરીઓ.
ગુજરાતની જ વાત કરીએ તો રાજ્યમાં 229 સરકારી લાઇબ્રેરીમાં 43.21 લાખથી વધુ પુસ્તકો છે. પરંતુ જેમાં માત્ર 4.90 લાખ જ સભ્યો નોંધાયા છે. રાજ્યમાં સૌથી ઓછા પુસ્તકો અને સભ્યો ધરાવતા 10 જિલ્લામાં સાત આદિવાસી જિલ્લા છે. રાજ્યમાં સૌથી વધુ 86 હજાર સભ્યો સુરતની નવ સરકારી લાઇબ્રેરીમાં છે.
એક રિપોર્ટ મુજબ રાજ્યમાં 45 ટકા એટલે કે 2.19 લાખ સભ્યો તો માત્ર ચાર મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં જ છે. ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં સરકારી લાઇબ્રેરીમાં સભ્યો સાથે પુસ્તકો પણ અન્ય જિલ્લાની સરખામણીએ ઓછા છે. સૌથી ઓછા સભ્યો અને પુસ્તકો ધરાવતા 10 જિલ્લામાં 7 આદિવાસી પ્રભુત્વ ધરાવતા છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને નવસારી સામેલ છે. છોટા ઉદેપુરમાં માત્ર એક સરકારી લાઇબ્રેરી છે. જેમાં 30 સભ્યો અને 13 હજાર જેટલા પુસ્તકો છે. આ 7 જિલ્લામાં માત્ર 20 લાઇબ્રેરીમાં 19550 સભ્યો અને 2.84 લાખ પુસ્તકો છે.
ક્યાં છે કેટલી લાઈબ્રેરી અને ક્યાં છે કેટલા સભ્યો
રાજ્યમાં સૌથી વધુ 86 હજાર સભ્યો સુરતની નવ સરકારી લાઇબ્રેરીમાં છે. સૌથી વધુ પુસ્તકો પણ સુરતની જ લાઇબ્રેરીઓમાં છે. સૌથી વધુ 13 લાઇબ્રેરી આણંદમાં આવેલી છે. જેમાં 12 હજાર સભ્યો અને 1.46 લાખથી વધુ પુસ્તકો છે. અહીં સરકારી લાઇબ્રેરીમાં રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને નગરપાલિકા હેઠળ આવતી લાઇબ્રેરી સામેલ છે. રિપોર્ટ મુજબ, 85 લાઇબ્રેરી રાજ્ય સરકાર હસ્તક છે. જેમાં 3.04 લાખ સભ્યો છે અને 21.31 લાખથી વધુ પુસ્તકો છે. જ્યારે મનપા હેઠળ કુલ 157 લાઇબ્રેરીમાં 1.85 લાખ સભ્યો અને 21.89 લાખથી વધુ પુસ્તકો છે. મહાનગરો સિવાય સૌથી વધુ 16 હજાર સભ્યો મહેસાણાની 12 લાઇબ્રેરીમાં છે અને સૌથી વધુ 20 લાખ પુસ્તકો અમરેલીની 12 લાઇબ્રેરીમાં છે.