
અમદાવાદ: ગુજરાતમાં એકતરફ દિવાળી અને નવા વર્ષને આડે હવે માત્ર ગણ્યા ખરા દિવસો છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસોમાં દક્ષિણ-પશ્ચિમના ચોમાસાની વિદાય માટે અનુકૂળ વાતાવરણ હોવાની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયની રેખા આજે, 8 ઓક્ટોબર, 2025 ના રોજ 20°N/ 69°E, વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, શાહજહાંપુર અને 30°N/81°E પરથી પસાર થઈ રહી છે. ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક વધુ ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વધુ વિદાય માટે આગામી 2 થી 3 દિવસ દરમિયાન પરિસ્થિતિઓ અનુકૂળ છે. આ સંકેત દર્શાવે છે કે ટૂંક સમયમાં જ ગુજરાતમાંથી ચોમાસુ સત્તાવાર રીતે વિદાય લેશે.
અરબી સમુદ્રમાં હવામાન પ્રણાલી:
પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પરનું સુસ્પષ્ટ લૉ પ્રેશર આજે તે જ વિસ્તારમાં યથાવત છે. તેની સાથે સંકળાયેલું સાઈક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલું છે. આ સિસ્ટમ પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પર પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ આગળ વધવાનું અને આગામી 12 કલાક દરમિયાન વધુ નબળું પડીને માત્ર લૉ પ્રેશર એરિયામાં ફેરવાઈ જવાની સંભાવના છે.
આજે કેવું રહેશે હવામાન?
ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવા છતાં, અરબી સમુદ્રની હવામાન પ્રણાલીને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ એક દિવસ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. આજે રાજ્યના ઘણા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ , સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ તેમજ દીવના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.
આ પણ વાંચો…ગુજરાતમાંથી 3-4 દિવસમાં ચોમાસું વિદાય લેશેઃ રાજ્યમાં સરેરાશ 118 ટકા વરસાદ