અમદાવાદ

આ છે ગુજરાત મોડલ, રાજ્યમાં 3.65 કરોડ લોકો મફત-સસ્તા અનાજના ભરોસે

અમદાવાદઃ ગુજરાત મોડલની દેશમાં ખૂબ ચર્ચા થાય છે. પરંતુ હકીકત કઈંક અલગ જ છે. રાજ્યમાં 3.65 કરોડ લોકો હજુ પણ મફત-સસ્તા અનાજના ભરોસે છે. લોકસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યમાં રેનશ કાર્ડ ધારકોની સંખ્યા 75 લાખ છે. 2021-22માં 3.41 કરોડ લોકો રેશન મેળવતા હતા, જે સંખ્યા આ વર્ષે વધીને 3.65 કરોડ પર પહોંચી છે. જેના પરથી ગુજરાતમાં લોકોની આર્થિક સ્થિતિ કેટલી હદે કથળી છે તેનો અંદાજ લગાવી શકાય છે.

દર વર્ષે વધી રહી છે સંખ્યા

ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના હેઠળ ગરીબ઼રેખા નીચે જીવતા પરિવારોને મફત ઘઉં, ચોખા સહિત અનાજ પુરૂ પાડવામાં આવે છે. સાથે સાથે અન્ય રેશનકાર્ડ ધારકોને રાહત ભાવે અનાજથી માંડીને ખાંડ, મીઠુ વિતરણ કરાય છે. પાંચ વર્ષના સમયગાળામાં મફત-સસ્તા દરે અનાજ લેનારાઓની સંખ્યામાં 24 લાખનો વધારો થયો છે. જે ગુજરાતના ગરીબ પરિવારોની દારુણ સ્થિતિની કડવી હકીકત રજૂ કરે છે. વર્ષ 2022-23માં ગુજરાતમાં 3.45 કરોડ લોકો મફત અનાજ મેળવતાં હતાં. જ્યારે વર્ષ 2025માં મફત-સસ્તું અનાજ લેનારાઓની સંખ્યા વધીને 3.65 કરોડ સુધી પહોંચી ગઈ છે. દર વર્ષે સસ્તું-મફત અનાજ મેળવનારાંની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

ગરીબ પરિવારોની સ્થિતિ બની રહી છે કફોડી

વાયબ્રન્ટ ગુજરાતની ઓળખ ધરાવતાં ગુજરાતમાં જ ગરીબ પરિવારોની સ્થિતિ વધુને વધુ કફોડી બની રહી છે. લોકોના આર્થિક સુધાર માટેની અનેક સરકારી યોજનાનો અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબીનું ચિત્ર સુધર્યું નથી. નોંધનીય છે કે, દેશમાં કેરળ ગરીબીમાંથી મુક્ત થયું છે, જ્યારે ગુજરાતમાં પરિસ્થિતિ ઉલટી છે. અહીં ગરીબ પરિવારોની સંખ્યામાં વધી રહી છે.

ગુજરાતમાં કેટલા કરોડ લોકો મેળવી રહ્યા છે સસ્તું અનાજ

વર્ષ 2021: 3.41 કરોડ
વર્ષ 2022: 3.45 કરોડ
વર્ષ 2023: 3.44કરોડ
વર્ષ 2024: 3.51 કરોડ
વર્ષ 2025: 3.65 કરોડ

સંસદના શિયાળુ સત્રમાં તાજેતરમાં રેશન કાર્ડ રદ અને ઈ કેવાયસી વેરિફિકેશન અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રેશન કાર્ડ ધારકોની સંખ્યા 75,17,392 છે. 2020માં રાજ્યમાં 47,936, 2021માં 2,19,151, 2022માં 1,32,519, 2023માં 1,35,362, 2024માં 30,899 તથા 2025માં (25 ઓક્ટોબર સુધી) 69,102 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે.

આપણ વાંચો:  ગુજરાતીઓના હૃદય પડી રહ્યા છે નબળા, દરરોજ હાર્ટ એટેક લે છે આટલા લોકોનો ભોગ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button