મોબાઈલ ચોરી અટકાવવામાં ગુજરાત અગ્રેસર: 268 દિવસમાં 32,105 ફોન માલિકોને પરત કરાયા

અમદાવાદઃ મોબાઈલ ફોનની ચોરી અને ગેરકાયદે ઉપયોગ અટકાવવા માટે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું હતું. 29 સપ્ટેમ્બર સુધીના ડેટા મુજબ, રાજ્યમાં છેલ્લા 9 મહિનામાં રાજ્યની પોલીસે 1,29,307 ચોરાયેલા ફોન બ્લોક કર્યા હતા, તેમાંથી 76,213 ફોન ટ્રેસ કર્યા અને 32,105 ડિવાઈસ તેના મૂળ માલિકોને પરત કર્યા હતા.
રોજના 126 ફોન માલિકોને પરત કરવામાં આવે છે
દરરોજ સરેરાશ 126 ફોન માલિકોને પરત કરવાની સિદ્ધિ સાથે, ગુજરાત મોટા રાજ્યોની સરખામણીમાં વાસ્તવિક રિકવરી પરફોર્મન્સમાં મોખરે છે. ગુજરાતનો 42.13 ટકા રિકવરી રેટ રાષ્ટ્રીય સરેરાશ 26.02 ટકા કરતાં ઘણો વધારે છે.
ચોરાયેલા મોબાઈલ ફોનની રિકવરી એક મુખ્ય મુદ્દો
સૂત્રોએ જણાવ્યું કે, ચોરાયેલા ફોનને બ્લોક કરવાથી તે નકામો બની જાય છે, જે ગુના અટકાવવાનું કામ કરે છે. પરંતુ તેને પરત કરવાથી લોકોને ખરેખર રાહત મળે છે. ચોરાયેલા મોબાઈલ ફોનની રિકવરી એક મુખ્ય મુદ્દો છે, જેની ચર્ચા અમે અમારી માસિક ક્રાઈમ કોન્ફરન્સમાં કરીએ છીએ. આ ઉપરાંત સૂત્રોએ કહ્યું, દરેક બ્લોક કરાયેલો ફોન તેના ગેરઉપયોગને અટકાવવામાં મદદ કરે છે, પરંતુ તેને મૂળ માલિકને પરત કરવો એ જ સાચો અર્થ ધરાવે છે. વધુ મોટી સંખ્યામાં ફોન પરત મળી શકે તે માટે સર્વિસ પ્રોવાઇડર્સ સાથે વાતચીત ચાલી રહી છે.
ફોન બ્લોક કરવામાં ગુજરાત દેશમાં 9મા ક્રમે
ફોન બ્લોક કરવામાં ગુજરાત સમગ્ર ભારતમાં નવમા ક્રમે છે. દિલ્હી 8.51 લાખ બ્લોક કરાયેલા ફોન સાથે યાદીમાં ટોચ પર છે, પરંતુ તેનો રિકવરી રેટ માત્ર 1.98% છે, જે ત્યાંની લોજિસ્ટિકલ સમસ્યાઓને દર્શાવે છે. ફોન સફળતાપૂર્વક માલિકોને પરત કરવામાં ગુજરાત મોટા રાજ્યોમાં ચોથું સ્થાન ધરાવે છે. કેટલાક નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઊંચી ટકાવારી ધરાવે છે, પરંતુ તેઓ ઘણી ઓછી સંખ્યામાં ડિવાઈસ હેન્ડલ કરે છે. રિકવરીની ટકાવારીમાં રાજસ્થાન (43.17 ટકા) અને મિઝોરમ (45.45 ટકા) ગુજરાત કરતાં સહેજ આગળ છે, જ્યારે પંજાબ (11.97 ટકા) અને બિહાર (13.04 ટકા) પાછળ છે.
ભારતમાં અત્યાર સુધીમાં કેટલા ફોન બ્લોક કરવામાં આવ્યા
સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં 38.74 લાખ ફોન બ્લોક કરવામાં આવ્યા છે, જેમાંથી માત્ર 6.14 લાખ ફોન જ પરત મેળવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર સિસ્ટમ સિસ્ટમના મિશ્ર પરિણામો જોવા મળી રહ્યા હોવા છતાં, ગુજરાતના અધિકારીઓ માને છે કે વધુ સારા સંકલનથી તેમના પહેલેથી જ પ્રભાવશાળી આંકડાઓને વધુ વેગ મળી શકે છે.