ગુજરાતના ધારાસભ્ય હાર્દિક પટેલની મતદારકાર્ડ ગામડામાં જ રાખવા પાટીદાર સમાજને અપીલ

અમદાવાદઃ ગુજરાતના વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલે પાટીદાર સમાજને ગામડાઓમા અસ્તિત્વ ટકાવવા મતદારકાર્ડ ગામડામાં જ રાખવાની અપીલ કરી હતી. મહેસાણા જિલ્લાના કડી ખાતે પાટીદાર સમાજના એક જાહેર કાર્યક્રમમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, સમય આવ્યે ખબર પડશે કે મતદારકાર્ડ ગામડામાં રાખવાનુ હું કેમ કહું છું.
18 વર્ષના દીકરા-દીકરીના વોટિંગ કાર્ડ કઢાવવા અપીલ
હાર્દિક પટેલે ચુવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં નિવેદન કર્યું હતું કે, ગામડાઓમાં આપણી (પાટીદાર)ની સંખ્યા ઓછી થતી જાય છે. ગામડાઓમા અસ્તિત્વ ટકાવવા હાર્દિક પટેલે પાટીદાર સમાજને અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભલે અમેરિકા કે અમદાવાદ રહો, પણ ચૂંટણી કાર્ડ ગામનું જ રાખજો. 18 વર્ષના દીકરા-દીકરીના વોટિંગ કાર્ડ વતનમાં જ કઢાવવા માટે ટકોર કરી હતી. ખરો સમય આવશે ત્યારે ખબર પડશે કે હાર્દિકે આ વાત કેમ કરી હતી. તેમણે કરેલા આ માર્મિક નિવેદનના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. આવનારા દિવોસમાં હાર્દીક પટેલ પાટીદાર વિરુદ્ધ અન્ય સમાજ કે પાટીદારોને રાજકારણમાં કદ પ્રમાણે પદ મેળવવા દબાણ લાવવા માટેની એક ભાવી ચાલ તરીકે જોવામાં આવી રહ્યું છે.
હાર્દિક પટેલે ગામડા ભાંગી રહ્યાં હોવાની ચિંતા કરી
હાર્દિક પટેલે ગામડા ભાંગી રહ્યાં હોવાની ચિંતા કરી હતી. આવનારા 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ શું હશે તેનું ચિંતન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. દેત્રોજ તાલુકામાં હવે ૫૦ પાટીદારો પણ માંડ મળે છે, પહેલા દેત્રોજમાં 8થી 9 સરપંચ પાટીદાર હતા, હવે માત્ર એક જ સરપંચ પાટીદાર જોવા મળી રહ્યાં છે. હાર્દિક પટેલે પાટીદારોની સંખ્યા ઘટતા ગુજરાતના રાજકારણમાં પણ પાટીદારોનું રાજકીય પ્રભુત્વ ઘટ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. શહેરોની જેમ ગામડાઓમાં પણ સમૂહ લગ્ન યોજવા હાર્દિક પટેલનું સૂચન કર્યું હતું.
આપણ વાંચો: હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો સફાયો, વિકાસ પેનલનો દબદબો



