
અમદાવાદ: રાજકારણમાં સેવા કરતાં મેવા વધારે છે! કારણ કે થોડા મહિના પહેલા જ ગાંધીનગરમાં ધારાસભ્યો માટે આલીશાન લક્ઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા હતા. જેનુ ખુદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ભાઈબીજના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. લોકોની સેવા માટે ધારાસભ્ય બનેલા જનપ્રતિનિધિઓને વધુ એક મેવો મળવા જઈ રહ્યો છે. કારણ કે હવે સરકાર ધારાસભ્યોના ભથ્થામાં વધારો કરવા અંગે વિચારણા કરી રહી હોવાના અહેવાલ છે.
મળતી વિગતો અનુસાર, ગુજરાત વિધાનસભાના ‘સભ્યોના ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિ’ની એક મહત્વની બેઠક ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મળી હતી, આ બેઠકમાં સભ્યોના વિવિધ ભથ્થાઓ અંગે અગાઉની બેઠકમાં થયેલી ચર્ચાને આગળ વધારવામાં આવી હતી. ખાસ કરીને ધારાસભ્યોને મળતી રેલ્વે અને હવાઈ મુસાફરીની સુવિધાઓ, મતવિસ્તાર ભથ્થું તથા કાર્યાલય ખર્ચના નિયમોમાં સુધારા-વધારા કરવા અંગે ગહન વિચારણા કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે સમિતિએ અન્ય રાજ્યોની વિધાનસભાઓમાં સભ્યોને મળતા ભથ્થાં અને સુવિધાઓની તુલનાત્મક વિગતો ચકાસી હતી, જેથી ગુજરાતના જનપ્રતિનિધિઓ માટેના ભથ્થાના નિયમોને વધુ સુસંગત બનાવી શકાય.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર પાટનગરમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાનની જરૂરિયાત હોવાથી સરકારે પાંચ વર્ષ પહેલા એમએલએ ક્વાર્ટર્સ બનાવવાનું આયોજન કર્યું હતું. નવા આવાસ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ રાખવામાં આવી હતી. શહેરના સેકટર-17માં આવેલા જૂના એમએલએ ક્વાર્ટરને તોડીને 9 માળના 12 ટાવરમાં લક્ઝરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. 220 કરોડથી વધુના ખર્ચે ધારાસભ્યો માટે તૈયાર થયેલા ફ્લેટનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભાઈબીજના દિવસે લોકાર્પણ કર્યુ હતું.
આ આવાસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ આવાસમાં ધારાસભ્યને એક ડ્રોઈંગ રૂમ, બે બેડરૂમ, ડાઈનિંગ રૂમ અને રસોડા સહિતના ફ્લેટની સગવડ આપવામાં આવે છે. રહેઠાણનું રોજનું ભાડું રૂ. 1.25 રાખવામાં આવ્યું છે. આમ, જોઈએ તો માસિક માત્ર રૂપિયા 37.5ના ખર્ચે ધારાસભ્યને સરકારી આવાસનો લાભ મળશે. આવાસમાં પ્રાઇવસીનું પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે કે સર્વન્ટ રૂમની એન્ટ્રી મેઈન લિફ્ટની બાજુમાં આપવામાં આવી છે. જ્યાંથી સર્વન્ટ સીધો જ કિચન સુધી પહોંચી જશે અને કામકાજ પૂર્ણ કરી રૂમમાં આરામ કરી શકે.
આ સમયે એન્જિનિયરે જુદા-જુદા 3 વિકલ્પ સૂચવ્યા હતા, પરંતુ સરકારે 9 માળના 12 એપાર્ટમેન્ટ બાંધવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 1988-89માં આ જ સ્થળે એમએલએ ક્વાર્ટર હતા, પરંતુ બાદમાં એને સેકટર-21માં ખસેડવામાં આવ્યા હતા. સેકટર-21 ખાતે હાલ એમએલએ ક્વાર્ટર્સમાં 14 બ્લોકમાં કુલ 168 મકાન છે.



