Millet Mahotsav: ગુજરાતમાં બે દિવસમાં મિલેટસ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું 1. 62 કરોડ રૂપિયાનું વેચાણ
![gujarat millet festival ahmedabad](/wp-content/uploads/2025/02/millet-festival-food-stalls.webp)
અમદાવાદ : ગુજરાતમાં તારીખ 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા મિલેટ મહોત્સવને(Millet Mahotsav) સારો પ્રતિસાદ સાંપડયો છે. આ બે દિવસમાં 606 સ્ટોલ દ્વારા રૂપિયા 1.62 કરોડની કિંમતના મિલેટ્સ, પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ થયું છે.
આ પણ વાંચો: મિલેટ્સના લોટ પર શૂન્ય જીએસટી
2.93 લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી
મિલેટ મહોત્સવ અંગે રસપ્રદ માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આયોજિત બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટની આશરે 2.93 લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, કૃષિ ઉદ્યોગ સાહસિકો, નિકાસકાર તેમજ સ્વસહાય જૂથો આ મહોત્સવમાં જોડાયા હતા.
ગુજરાતમાં જાડા ધાન્ય અને બરછટ અનાજના ઉપયોગ તથા વપરાશને પ્રોત્સાહન આપવા મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો.
મંત્રી રાધવજી પટેલે કહ્યું હતું કે, આ મહોત્સવ દરમિયાન મિલેટ અને મિલેટ વાનગીના સ્ટોલે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. રાજ્યના હજારો સ્વાદરસિકોએ મિલેટથી બનેલી વિવિધ વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યના લાખો શહેરીજનોએ આ મહોત્સવમાં ભાગ લીધો. શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેત પેદાશના અનન્ય મહત્વ પ્રત્યે નાગરિકોની જાગરૂકતા દર્શાવે છે.
અમદાવાદમાં બે દિવસમાં 38 લાખથી વધુનું વેચાણ
અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં માત્ર બે જ દિવસમાં રૂપિયા 38 લાખથી વધુનું વેચાણ કરવામાં આવ્યું હતું. જ્યારે, સુરતમાં રૂપિયા 28.28 લાખ, રાજકોટમાં રૂપિયા 27 લાખ, વડોદરામાં રૂપિયા 20.60 લાખ, ભાવનગરમાં રૂપિયા 18.80 લાખ, જામનગરમાં રૂપિયા 14.75 લાખ તેમજ ગાંધીનગરમાં રૂપિયા 14.50 લાખથી વધુનું વેચાણ કરવામાં આવ્યુ હતું.
અમદાવાદમાં 45,5000 નાગરિકોએ મુલાકાત વધી
આ ઉપરાંત ભાવનગર ખાતે યોજાયેલા મિલેટ મહોત્સવની બે દિવસમાં સૌથી વધુ 81.300 નાગરીકોએ મુલાકાત લીધી હતી. ત્યારબાદ સુરતમાં 58,200 નાગરિકોએ, અમદાવાદમાં 45,5000 નાગરિકોએ, વડોદરામાં 39,000 નાગરીકોએ, રાજકોટમાં 25,700 નાગરિકોએ, જામનગરમાં 26,200 નાગરિકોએ તેમજ ગાંધીનગરમાં 21,800 નાગરિકોએ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટની મુલાકાત લીધી હતી.