અમદાવાદ

ગુજરાતમાં લોહિયળ મકરસંક્રાંતિ, ગુરુવારે પતંગે વધુ ત્રણ બાળકનો ભોગ લીધો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
ગુજરાતમાં ઉતરાયણ નિમિત્તે પતંગ ચગાવવાનું અનેરું મહત્વ છે અને બાળકો પણ ધાબા પર ચડી ઉત્સાહપૂર્વક પતંગ ચગાવે છે, પરંતુ આ તહેવાર અમુક પરિવાર માટે જીવનભરનું દુઃખ સાબિત થયો છે. ખાસ કરીને બે દિવસમાં ચાર બાળકે જીવ ખોયો હોવાની ઘટના ઘટી હતી.

ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાતમાં ધવલ પરમાર નામના આઠ વર્ષના છોકરાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ધવલ પિતા સાથે બાઈક પર જતો હતો અને પતંગની દોરીથી ગળું ચિરાઈ જતા તેનું મોત થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

તો બીજી બાજુ સુરતના સચિન વિસ્તારમાં ધાબા પર પતંગ ચગાવવા ગયેલી મંટુ નામની 14 વર્ષીય કિશોરી નીચે પટકાતા તેનું મોત થયું હતું. કિશોરી પડતા જ સોસાયટીના લોકો દોડ્યા હતા અને બાળકીને સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આપણ વાચો: ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ પર તવાઈ, 409 ગુના નોંધાયા, 477 લોકોની ધરપકડ

જ્યારે અન્ય એક ઘટના સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા આનંદ વિલા સોસાયટીમાં બની હતી. મળતી માહિતી મુજબ, 8 વર્ષનો બાળક પોતાની સાયકલ લઈને સોસાયટીના પરિસરમાં રમી રહ્યો હતો. આ સમયે આકાશમાંથી કપાઈને આવતી પતંગની દોરી અચાનક બાળકના ગળામાં આવી ગઈ હતી.

બાળક સાયકલ પર સવાર હોવાથી દોરીના ઘર્ષણને કારણે તેનું ગળું ચિરાઈ ગયું હતું. બાળકને તાત્કાલિક હૉસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર પહેલા જ તેનુ મોત નિપજ્યું હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

અગાઉ બુધવારે વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં 10 વર્ષના બાળક હિમાંશુ કશ્યપનું પણ પતંગને કારણે મોત નિપજ્યું હતું. બાળક પતંગ પકડવા દોડતો હતો ત્યારે ઝડપથી આવેલી કારની હડફેટે આવી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, તેનું પણ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ધાબા પરથી પટાકાવાની વધુ એક ઘટના અમદાવાદના ખોખરામાં બની હતી. અહીં 32 વર્ષીય યુવક ધાબા પરથી પડી જતા મૃત્યુ પામ્યો હતો. આ ઉપરાંત મોટાભાગના શહેરોમાં ઈજા થવાની ઘણી ઘટનાઓ નોંધાઈ હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button