Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અનોખો ઉત્સાહ, વરરાજા અને પીઠી ચોળેલી કન્યાએ મતદાન કર્યું

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) આજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારે 7 વાગેથી મતદાન શરૂ થયું છે. જેમાં નગરપાલિકાઓમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 4. 78 ટકા મતદાન નોંધાયું છે. તેમજ જુનાગઢ મહાનગરપાલિકામાં નવ વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન નોંધાયું છે. આ દરમિયાન મતદારોમાં મતદાન માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં લગ્ન પૂર્વે વરરાજા અને પીઠી ચોળેલી કન્યાએ મતદાન કર્યું છે.

પીઠી ચોળેલી કન્યા મતદાન કરવા માટે પહોંચી
આ અંગે મળતી વિગતો મુજબ બીલીમોરામાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પીઠી ચોળેલી કન્યા મતદાન કરવા માટે પહોંચી હતી. તેમજ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું હતું . જ્યારે અન્ય એક કિસ્સામાં પાટણના રાધનપુરમાં વરરાજા મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમજ પંચમહાલની કાલોલ નગપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. ત્યારે લગ્ન પૂર્વે વરરાજા મતદાનની ફરજ બજાવવા પહોંચ્યા હતા. આ જાન વડોદરા માટે નીકળે તે પહેલાં વરરાજાએ મતદાન કર્યું હતું. તેમજ યુવાનોને મતદાનની ફરજ નિભાવવા અપીલ કરી હતી.
નગરપાલિકાઓમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 4. 78 ટકા મતદાન નોંધાયું
ગુજરાતમાંઆજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 2 નગરપાલિકા બોટાદ અને વાંકાનેરના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં મળતી માહિતી મુજબ સવારે 7 વાગેથી શરૂ થયેલા મતદાનમાં નગરપાલિકાઓમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 4. 78 ટકા મતદાન નોંધાયું છે.
આ પણ વાંચો…Gujaratમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન તાપી અને રાજકોટમાં ઇવીએમ ખોટવાયા
જુનાગઢ મહાનગરપાલિકામાં નવ વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન
જેમાં વંથલી નગરપાલિકામાં પ્રથમ બે કલાકમાં નવ વાગ્યા સુધીમાં 9 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે વિસાવદર નગરપાલિકા 5.40 ટકા મતદાન થયુ છે. આ ઉપરાંત જુનાગઢ મહાનગરપાલિકામાં પ્રથમ બે કલાક નવ વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન નોંધાયું છે.