
અમદાવાદઃ આજે વિશ્વ ડાયાબિટીસ ડે છે. ગુજરાત ડાયાબિટીસનું કેપિટલ બની રહ્યું હોય તેમ ત્રણ દાયકામાં ડાયાબિટીસના દર્દીમાં મોટો વધારો થયો છે. 1990થી 2021ની વચ્ચે દર વર્ષે 0.67 ટકાના દરે વધારો થયો છે. આ વધારો રાજ્યને ડાયાબિટીસના વ્યાપમાં સૌથી વધુ વધારો ધરાવતા ટોચના સાત મુખ્ય રાજ્યોમાં મૂકે છે, રાષ્ટ્રીય સરેરાશ વાર્ષિક ટકાવારી ફેરફાર 0.63 ટકાછે. દેશમાં સૌથી વધુ રાષ્ટ્રીય સરેરાશ વાર્ષિક ટકાવારી ફેરફાર ધરાવતા રાજ્યોમાં હરિયાણા 0.82 ટકા, ઉત્તરાખંડ 0.82 ટકા, તમિલનાડુ 0.78 ટકા, ઉત્તર પ્રદેશ 0.78 ટકા, રાજસ્થાન 0.75 ટકા અને મધ્ય પ્રદેશ 0.71 ટકાનો સમાવેશ થાય છે.
એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયમાં ડિસેબિલિટી-એડજસ્ટેડ લાઇફ યર્સ (DALY) માં 0.68 ટકાનો વધારો થયો છે. હેલ્થ નિષ્ણાતો મુજબ, આ વલણ માત્ર ડાયાબિટીસમાં જ નહીં, પરંતુ પ્રી-ડાયાબિટીસ અને સંબંધિત જોખમી પરિબળો જેમ કે ઉચ્ચ BMI (બોડી માસ ઇન્ડેક્સ) અને બ્લડ પ્રેશરમાં પણ ચિંતાજનક વધારો દર્શાવે છે.
સૂત્રો મુજબ છેલ્લા બે દાયકામાં વહેલી શરૂઆત થતા ડાયાબિટીસમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, જેમાં નિદાનની સરેરાશ ઉંમર 40ના દાયકાના અંતથી ઘટીને 30ના દાયકાની શરૂઆતની થઈ ગઈ છે. જે માટે વિવિધ કારણો જવાબદાર છે. અનિયંત્રિત ડાયાબિટીસ માત્ર પાંચ વર્ષ માટે પણ દર્દીઓને હૃદય રોગ, સ્ટ્રોક અને કિડનીની ગૂંચવણો માટે ઉચ્ચ જોખમની શ્રેણીમાં મૂકી શકે છે.
ગુજરાતમાં 50 ટકા ડાયાબિટીસના દર્દીઓનું નિદાન થતું નથી
2023ના ICMR-ઇન્ડિયા ડાયાબિટીસ (INDIAB) અભ્યાસ મુજબ, ભારતમાં 10 કરોડ પુખ્ત વયના લોકો ડાયાબિટીસથી પીડિત છે અને 13 કરોડ પ્રીડાયાબિટીસથી પીડિત છે. આમાંથી, અનુક્રમે 50 લાખ અને 60 લાખ ગુજરાતમાં છે. જોકે આ સંખ્યાઓ વધવાની સંભાવના છે, પરંતુ ડબલ ફટકો એ છે કે 50 ટકા કેસોનું હજુ પણ નિદાન થયું નથી. સૂત્રોએ જણાવ્યું કે, જણાવ્યું હતું કે, પુખ્ત વયના લોકોમાં ડાયાબિટીસનો રાષ્ટ્રીય વ્યાપ આશરે 11.4 ટકા છે. અમદાવાદ જેવા ગુજરાતના શહેરી વિસ્તારોમાં તે 15 થી 18 ટકા અને અને ગ્રામીણ વિસ્તારોમાં તે 10-12 ટકા છે.”
સૂત્રોએ જણાવ્યું કે, ડાયાબિટીના કેસ 20 થી 40 વર્ષના યુવાનોમાં વધી રહ્યા છે. અનિયંત્રિત ડાયાબિટીસ, ડાયાબિટીસનો સમયગાળો, ધૂમ્રપાન, કૌટુંબિક ઇતિહાસ અને અનિયંત્રિત બ્લડ પ્રેશરને ગંભીરતાથી ધ્યાનમાં લેવા જોઈએ. અનિયંત્રિત ડાયાબિટીસ ગ્લુકોમા અને મોતિયા જેવી આંખની સમસ્યાઓ પણ તરફ દોરી શકે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓ માટે વર્ષમાં એક કે બે વાર આંખની તપાસ કરાવવી આવશ્યક છે, અને સ્થૂળતા, બેઠાડુ જીવનશૈલી અને કૌટુંબિક ઇતિહાસ જેવા જોખમી પરિબળોને કારણે યુવાનો માટે નિયમિત સ્ક્રીનિંગની ખૂબ સલાહ આપવામાં આવે છે.



