
અમદાવાદઃ નવા વર્ષની શરૂઆતે ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા અનેક આઈએએસ અધિકારીઓને બઢતીની ભેટ આપી હતી. જોકે રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર 15-15 વર્ષની એસપી તરીકે નોકરી કર્યા બાદ પ્રમોશન મેળવીને ડીઆઈજી બનેલા અધિકારીઓ આશરે સાડા ચાર મહિનાથી ઘરે બેઠા છે. તેઓ પોસ્ટિંગ વગરના છે એટલું જ નહીં ચાર-ચાર મહિનાથી પગાર પણ મળ્યા નથી. એટલું જ નહીં તેમના સરકારી મકા અને ગાડીઓ પણ પરત ખેંચી લેવામાં આવી છે, જેથી તેમને પોસ્ટિંગ ક્યારે મળશે તેની કોઈ શક્યતા નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં કુલ 15 ડીઆઈજી અધિકારીઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ જેવી સ્થિતિમાં છે. જે પૈકી 10 સત્તાવાર વેઈટિંગમાં છે, જ્યારે હાલના 6 નવા એસપીને પ્રમોશન આપીને ડીઆઈજી બનાવાયા છે તે પૈકી એક અધિકારી ડેપ્યુટેશન પર ગુજરાત બહાર છે. જ્યારે બાકીના 5 જે જગ્યાએ એસપી હતા તે જગ્યાએ તેમને ડીઆઈજીના પ્રમોશન આપીને રખાયા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોસ્ટિંગ નહીં હોવાથી તેમને કયા વિભાગના હેડમાં પગાર ચુકવો તે ટેકનિકલ વિષય છે. પોસ્ટિંગ મળશે ત્યારે સાથે પગાર ચુકવાશે. હાલમાં રાજ્યના ચાર મોટા શહેરોમાં જ પોલીસ કમિશનર છે, જ્યારે આગામી દિવસોમાં ભાવનગર, જામનગર, મહેસાણા, ગાંધીનગરમાં પણ કમિશનરેટ બનાવાશે તેવી ચર્ચા છે.
સૂત્રો મુજબ, રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે અનેક માન્યતાઓ પ્રવર્તે છે. જેમાં અધિકારીની કાર્યપદ્ધતિ અને જિલ્લાના રાજકારણ સાથે સુમેળ બેસાડવો, સરકાર વિરોધી સ્થિતિ મજબૂત હોય ત્યાં કંટ્રોલ કરી શકે તેવા અધિકારીને પોસ્ટિંગ આપવું, અમુક કિસ્સામાં વગદાર આઈપીએસ પોતાની ઈચ્છાથી લોબિંગ જાતે કરાવી જાય તો કોઈ રાજકીય ભલામણ પણ કરી જાય જેવી અનેક બાબતો હોય છે. રાજ્ય સરકાર માટે પાવર બેલેન્સ સરળ હોતું નથી. જેથી સરકારને સોગઠા ગોઠવવામાં વાર લાગે છે. આ કારણે રાજ્યના ડીજીપી પણ હજુ ઈન્ચાર્જ હોવાનું મનાઈ રહ્યું છે અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓ પણ પોસ્ટિંગ વગરના છે.
આ ડીઆઈજી પોસ્ટિંગની રાહમાં
હિતેષ જોઈસર
ડો. તરૂણ દુગ્ગલ
ચૈતન્ય માંડલીક
સરોજ કુમારી
આર વી ચુડાસમા
આર પી બારોટ
જી એ પંડ્યા
આર ટી સુશ્રા
સુધા પાન્ડે
સુજાતા મઝમુદાર
મયુર પાટીલ (એસપી)
આ પણ વાંચો…સાવધાન અમદાવાદ! આગામી તહેવારોને લઈ સુરક્ષા સજ્જડ, મકાનમાલિકોએ ભાડૂતની વિગતો પોલીસને આપવી પડશે



