અમદાવાદ

અમદાવાદમાંથી નકલી ભારતીય પાસપોર્ટ સાથે 40 બાંગ્લાદેશી ગુમ, આ રીતે થયો પર્દાફાશ…

અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ ડિમોલિશનના બે તબક્કા દરમિયાન આશરે 200 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. આ વિસ્તાર ભારતમાં ઘૂસણખોરીને કરીને આવેલા બાંગ્લાદેશીઓ માટે સલામત આશ્રય સ્થાન હતું અને મિનિ બાંગ્લાદેશ તરીકે પણ ઓળખાતો હતો. તપાસ દરમિયાન નકલી ભારતીય પુરાવાઓ ઉભા કરીને પાસપોર્ટ મેળવનારા 40 બાંગ્લાદેશીઓ ગુમ થઈ ગયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે બાદ તેમની રાજ્યભરમા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સાથે સંકળાયેલા મોટા પાયે પાસપોર્ટ કૌભાંડની ચાલી રહેલી તપાસ દરમિયાન આ ખુલાસો થયો હતો.

ક્રાઈમ બ્રાન્ચે જાણવા જોગ નોંધીને ફરાર થયેલા લોકોને શોધવા ટીમ બનાવી છે. ટૂંક સમયમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે આવા 500 થી વધુ પાસપોર્ટ હજુ પણ શંકાના દાયરામાં છે. ગુમ થયેલા બાંગ્લાદેશીઓ દ્વારા ભારતીય પાસપોર્ટનો દુરુપયોગ થવાની સંભાવના હોવાથી ગુપ્તચર એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોના કહેવા પ્રમાણે, કેટલાક ઘૂસણખોરો દેશની સુરક્ષા માટે ખતરો છે. અગાઉ અહીંથી સ્લીપર સેલ પણ પકડાયો હતો.

સૂત્રોએ જણાવ્યું કે તેમણે નકલી ઓળખ દસ્તાવેજોના આધારે મેળવેલા લગભગ 550 પાસપોર્ટની વિગતો પાસપોર્ટ ઓફિસ અને એફઆરઆરઓને સોંપી હતી. બંને એજન્સીઓના પ્રતિસાદના આધારે, તેઓએ સરનામાં તપાસવાનું શરૂ કર્યું અને જાણવા મળ્યું કે 40 વ્યક્તિઓ ગુમ થઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વાતને વહીવટીતંત્ર દ્વારા ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે અને ફરાર થયેલા લોકોને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ બંને ગુમ થયેલા ઘૂસણખોરોને શોધી કાઢવા અને કૌભાંડમાં સામેલ લોકોને ઝડપી પાડવાની કામગીરી તેજ કરી હતી. નકલી દસ્તાવેજો બનાવી આપનારા એજન્ટની પણ પૂછપરછ કરવામાં આવશે. ગુજરાત એટીએસ દ્વારા બોગસ ડોક્યુમેંટ નેટવર્કના મુખ્ય સૂત્રધારો મોહમ્મદ દીદારુલ આલમ ઉર્ફે રાણા સરકાર અને સોએબ મોહમ્મદ નામના ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડ્યા હતા. આ લોકોએ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને અનેક બાંગ્લાદેશીઓને ભારતીય પાસપોર્ટ મેળવવામાં મદદ કરી હતી.

આપણ વાંચો : બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરવામાં આવશે! વિદેશ મંત્રાલયનું નિવેદન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button