GPSCના પેપરસેટર્સની યોગ્યતા પર હાઈકોર્ટ આક્રમક, કોર્ટે જીપીએસસીને આપ્યું 8 પ્રશ્નોનનું પેપર

અમદાવાદઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા સેટ કરાતા પ્રશ્નપત્રોમાં ભૂલોને પડકારતી અનેક અરજીઓ ગુજરાત હાઈકોર્ટમાં થાય છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની ટોચની ભરતી એજન્સીને આઠ મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવા કહ્યું હતું.
કોર્ટે જીપીએસસી પેપર સેટિંગનું ધોરણ, પેપર સેટર્સની લાયકાત અને યોગ્યતા અને જો આવા નિષ્ણાતોની બેદરકારીને કારણે પ્રશ્નપત્રોમાં ભૂલો થાય છે તો તેમની સામે શું પગલાં લેવામાં આવે છે, તે મામલે સ્પષ્ટતા માગી હતી.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પરીક્ષાઓમાં દખલ કરવાની તેની સત્તા મર્યાદિત હોવા છતાં, તેણે રાજ્ય અથવા રાષ્ટ્રમાં શિક્ષિત છતાં બેરોજગાર ઉમેદવારોના ભવિષ્યને સુરક્ષિત રાખવાના પ્રયાસમાં, અથવા ભવિષ્યમાં પેપર સેટર્સની ક્ષમતા, નિષ્ણાતોના અનુભવ અથવા પ્રૂફરીડિંગ સંબંધિત કોઈપણ વિસંગતતાઓ સંબંધિત આવા કોઈ પ્રશ્નો ઉભા ન થાય તેની ખાતરી કરવા આ કવાયત હાથ ધરી છે.
આપણ વાચો: ગુજરાતમાં 2023ની બેચના 6 આઈએએસની આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક, જુઓ લિસ્ટ…
કોર્ટે કમિશન પાસેથી જવાબ માંગ્યો હતો કે શું પેપર સેટર્સ અને નિષ્ણાતોની લાયકાત અને તેમની પસંદગી અંગે તેની પાસે કોઈ લેખિત નીતિ છે, શું વિષયવાર પેપર સેટર્સની સંખ્યા છે, તેમની માન્યતાનો સમયગાળો, પ્રશ્નપત્રો પ્રૂફરીડ છે કે નહીં. જો કોઈ બેદરકારી દેખાય તો શું પગલાં લેવામાં આવે છે.
અગાઉ જ્યારે કોર્ટે પેપર સેટર્સ અને નિષ્ણાતો માટે પસંદગીના માપદંડો વિશે પૂછપરછ કરી હતી, ત્યારે કમિશને ગુપ્તતાના આધારે માહિતી જાહેર કરી ન હતી.



