ગુજરાત હાઈ કોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટીને ખખડાવી, કહ્યું- અમારી આંખે જોયું છે | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાત હાઈ કોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટીને ખખડાવી, કહ્યું- અમારી આંખે જોયું છે

અમદાવાદઃ રાજયના બિસ્માર અને તૂટેલા રસ્તાઓને લઇને ગુજરાત હાઇ કોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. મુખ્ય ન્યાયધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી એન રેની ખંડપીઠે રાજ્યના ખખડધજ રોડની ગંભીર નોંધ લઈ ટીકા કરતાં જણાવ્યું કે, આવા ખરાબ અને કૂટેલા રોડ રસ્તા પરથી પસાર થવું ભયાનક અનુભવ છે. હાઇવેના રસ્તાઓની હાલત ખરાબ અને ભયાનક છે તે વાસ્તવિકતા છે અને અમારો ખુદ તે અનુભવ છે. ખાસ કરીને ભરૂચથી સુરત જવુ એ અમારા માટે બહુ કડવો અનુભવ હતો. અમે ખુદ અમારી આંખે જોયું છે કે, ભરૂચ – સુરત વચ્ચે ટ્રાફિક જામ થઇ જાય છે અને વાહનો આગળ વધી શકતા નથી.

બહાના બતાવવાના બદલે તેનો તાત્કાલિક ઉકેલ લાવો

હાઇ કોર્ટે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાને સાફ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું કે, નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા નાગરિકોને ખરાબ, ઉબડખાબડ અને તૂટેલા રસ્તાઓના કડવા અનુભવ કરાવવાના અને બહાના બતાવવાના બદલે તેનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવો જોઇએ. જો કે, નેશનલ હાઇવે ઓથોરીટી કંઇ ના કરી શકતી હોય તો પછી અદાલત તેની રીતે હુકમ જારી કરશે.

તાકીદે કોઇ પગલાં નહી લે તો પછી હાઇ કોર્ટ તેની રીતે હુકમ કરશે

હાઇ કોર્ટે નેશનલ હાઇવે ઓથોરીટીને આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા તાકીદ કરી ઉમેર્યું કે, તમે આ બાબતમાં રાજય સરકારની મદદ પણ લઇ શકો છો પરંતુ તમે નાગરિકોને આવી ભયાનક પરિસ્થિતિ વેઠવા માટે છોડી શકો નહી કે આ પ્રકારે અસમર્થતા દાખવી શકો નહી. ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરીટી સત્તાવાળાઓને ચેતવણી આપી હતી કે, જો નેશનલ હાઇવે ઓથોરીટી આ મામલામાં તાકીદે કોઇ પગલાં નહી લે તો પછી હાઇ કોર્ટ તેની રીતે હુકમ કરશે.

કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, ભરૂચથી સુરત અને સુરતથી દહીંસર વચ્ચેના રસ્તાઓ ખાસ કરીને હાઇવેનો રોડ એકદમ બિસ્માર છે, તાજેતરના વરસાદમાં તે ભયંકર રીતે તૂટી ગયો છે. ખાડા-ખૈયા અને ઉબડખાબડવાળા રસ્તા પરથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. તો, ખરાબ અને તૂટી ગયેલા રસ્તાઓના કારણે ટ્રાફિક પણ ભયંકર રીતે જામ થઇ જાય છે અને અક્સ્માત સર્જાવાનું પણ જોખમ રહે છે.

આ પણ વાંચો…ગુજરાત હાઈ કોર્ટે ખૂનના આરોપીને કેન્સરની સારવાર માટે વિદેશ જવા મંજૂરી ના આપી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button