અમદાવાદ

પરિણિત દંપતિ વચ્ચે પણ પરસ્પર સંમતિથી શરીર સંબંધ બંધાવા જોઈએઃ હાઈ કોર્ટનું અવલોકન

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું. કોર્ટે પરિણિત દંપતિ વચ્ચે પરસ્પર સંમતિથી શરીરી સંબંધ બંધાવા જોઈએ તેમ કહી શારીરિક શોષણ અને દહેજ ઉત્પીડનના આરોપી પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી. ગુજરાત હાઈ કોર્ટે અવલોકન કર્યું કે, જીવનસાથીને તેમની સંમતિ વિરુદ્ધ અકુદરતી સેક્સ માટે મજબૂર કરવાથી તેમને માત્ર ભારે શારીરિક પીડા જ નથી થતી, પરંતુ માનસિક અને ભાવનાત્મક આઘાત પણ લાગે છે.

કોર્ટે શું કહ્યું

અરજી ફગાવતા ન્યાયાધીશે નોંધ્યું કે, દાયકાઓથી લગ્નને જાતીય સંમતિ માટેની આપોઆપ મળેલી મંજૂરી તરીકે જોવામાં આવે છે. જોકે, આધુનિક કાનૂની માળખું હવે વૈવાહિક સંબંધોમાં પણ વ્યક્તિની શારીરિક સ્વતંત્રતાને વધુને વધુ સ્વીકારે છે. દરેક પરિણીત યુગલ વચ્ચે ઈન્ટીમેસી સામાન્ય છે; જોકે તે પરસ્પર સંમતિ અને સન્માનજનક કૃત્ય હોવું જોઈએ.

કેસની સંવેદનશીલતા પર પ્રકાશ પાડતા કોર્ટે અવલોકન કર્યું હતું કે, જ્યાં સુધી શોષણનું સ્તર તેની સહનશક્તિની બહાર ન જાય ત્યાં સુધી આપણા સમાજમાં કોઈપણ સ્ત્રી જાહેરમાં આવીને બોલતી નથી.

અરજદારની પ્રથમ પત્નીએ પણ આવા જ આક્ષેપ કર્યા હતા

કોર્ટે નોંધ્યું હતું કે આ અરજદારના બીજા લગ્ન હતા અને તેની પ્રથમ પત્નીએ પણ તેની સામે સમાન આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત કોર્ટે વધુમાં ઉમેર્યું કે પતિ દ્વારા પત્ની પર શારીરિક અને જાતીય હુમલાનો કથિત ગુનો સ્વરૂપે ઘણો ગંભીર છે.

કેસની વિગતો મુજબ, મહિલા ગુરુગ્રામ સ્થિત એક છૂટાછેડા લીધેલા ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી. તેઓએ 2022 માં લગ્ન કર્યા હતા પરંતુ કથિત સતામણી અને શોષણને કારણે, તેણે અંતે ગયા વર્ષે એપ્રિલમાં FIR નોંધાવી હતી.

FIR માં ખાનગી અંગો પર સિગારેટથી ડામ આપવા સહિતના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. પત્નીના વકીલે દંપતી વચ્ચેની કેટલીક વોટ્સએપ ચેટ્સ રેકોર્ડ પર મૂકી છે, જેમાં પતિએ પત્ની માટે અત્યંત અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. વકીલે દલીલ કરી હતી કે આ ચેટ્સ પતિની માનસિકતા અને આક્રમક સ્વભાવ દર્શાવે છે. FIR માં પતિ પર પત્નીની ઈચ્છા વિરુદ્ધ અકુદરતી સેક્સ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…ગુજરાત હાઈ કોર્ટે કેસોનું ભારણ ઘટાડવા શું લીધો નિર્ણય?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button