અમદાવાદ

ક્રોધ-આવેશમાં પતિ પત્નિને એલફેલ બોલે તો આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો લાગુ પડે? હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરવાના એટલે આત્મહત્યાના દુષ્પ્રેરણાના કેસમાં પતિને નિર્દોષ જાહેર કરતા નીચલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટે આ કેસમાં મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું હતું કે, માત્ર પજવણી કે માનસિક ત્રાસના આક્ષેપો કરવાથી તે આત્મહત્યાની દુષ્પ્રેરણા સાબિત થતી નથી.

જો ઘટના સમયે આરોપી દ્વારા કોઈ એવું સક્રિય પગલું લેવામાં ન આવ્યું હોય કે જેનાથી મૃતક પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન બચે, તો તેને કાયદાની દ્રષ્ટિએ ગુનો ગણી શકાય નહીં.

જસ્ટિસ સંજીવ જે. ઠાકરની સિંગલ બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ગુસ્સામાં અથવા લાગણીના આવેગમાં બોલાયેલા શબ્દોનો હેતુ જો ખરેખર આત્મહત્યા કરાવવાનો ન હોય, તો તેને કાયદેસરની ઉશ્કેરણી કહી શકાય નહીં. ફરિયાદી પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે કે આરોપીનો ઈરાદો મૃતકને આત્મહત્યા સુધી ધકેલવાનો જ હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દુષ્પ્રેરણા સાબિત કરવા માટે આરોપીની માનસિક પ્રક્રિયા અને તેનું પ્રત્યક્ષ પગલું સાબિત કરવું અનિવાર્ય છે.

શું હતો સમગ્ર મામલો?
આ કેસની વિગત મુજબ, મૃતક યુવતીના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા અને તેને એક સંતાન પણ હતું. મહિલાના પિતાએ આક્ષેપ કર્યો હતો કે સાસરી પક્ષ દ્વારા તેની દીકરીને મેણા-ટોણા મારીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેનાથી કંટાળીને તેણે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

જોકે, નીચલી કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ આ ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ અને સીધા પુરાવાની ગેરહાજરીને કારણે અપીલ ફગાવી દીધી હતી.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે જ્યારે નીચલી કોર્ટના કારણો ન્યાયી અને યોગ્ય હોય, ત્યારે અપીલ કોર્ટે સમગ્ર પુરાવાઓની નવેસરથી વિગતવાર ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. ટ્રાયલ કોર્ટે યોગ્ય રીતે ઠરાવ્યું હતું કે આરોપીના વર્તન અથવા શબ્દો દ્વારા એવું સાબિત નથી થતું કે તેમણે મૃતકને મરવા માટે કોઈ સક્રિય મદદ કરી હોય કે ઉશ્કેર્યા હોય.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button