ગુજરાત હાઇ કોર્ટે વકીલને લગાવી ફટકાર, કહ્યું- તથ્યોની ખરાઈ કર્યા વગર…

અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટ વકીલના વર્તનની ટીકા કરીને ફટકાર લગાવી હતી. વકીલે દાવો કર્યો હતો ટ્રાયલ કોર્ટ દ્વારા મનાઈ હુકમ ન આપવાના કારણે સત્તાધીશો રાતોરાત તેમના અસીલોના ફ્લેટ તોડી પાડશે. કોર્ટે નોંધ્યું કે, વકીલે તથ્યોની ખરાઈ કર્યા વગર મોડી રાત્રે અપીલ દાખલ કરીને હાઈ કોર્ટની મશીનરીનો દુરુપયોગ કર્યો હતો. કોર્ટે વકીલના આ વર્તનને ખૂબ જ નિંદનીય અને બેશરમ ગણાવીને કહ્યું, બારના વરિષ્ઠ સભ્ય હોવા છતાં, વકીલે ભૂલવું ન જોઈએ કે તેઓ કોર્ટના અધિકારી છે અને કોર્ટને મદદ પૂરી પાડવાની તેમની ફરજ છે. કોર્ટે વકીલને ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં આવી પ્રથાનું પુનરાવર્તન થશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.
કોર્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બાંધવામાં આવેલા ફ્લેટમાં માલિકી હક જાહેર કરવા માટે ટ્રાયલ કોર્ટ સમક્ષ દાવો દાખલ કરનાર અમુક વ્યક્તિઓની અપીલ પર સુનાવણી કરી રહી હતી. તેની લીઝ ઓક્ટોબર 2086 માં પૂરી થવાની હતી. ટ્રાયલ કોર્ટના આદેશ સામે અપીલ દાખલ કરવાની રીત અંગે ન્યાયાધીશ મૌલિક જે. શેલતે કહ્યું: વરિષ્ઠ સભ્ય અને આ કોર્ટના પ્રેક્ટિસિંગ વકીલ બી.એમ. માંગુકિયાએ કોર્ટે વાદીઓની તરફેણમાં વચગાળાનો મનાઈ હુકમ ન આપ્યો હોવાથી, પ્રતિવાદીઓ રાતોરાત તેમના ફ્લેટ તોડી પાડશે તેવી મોડી રાતે અપીલ કરી હતી.
કોર્ટે કહ્યું કે અપીલકર્તાના વકીલે તથ્યોની ખરાઈ કર્યા વગર પ્રસ્તાવિત કહેવાતા ડિમોલિશન અંગે રાજ્ય અને ઓથોરિટી વતી હાજર રહેલા વકીલોનો અભિપ્રાય લીધા વિના બિનજરૂરી રીતે દરેકને મુશ્કેલીમાં મૂક્યા હતા, જેમાં હાઇ કોર્ટની રજિસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે.
કોર્ટે નોંધ્યું કે, અપીલકર્તાઓ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ બી.એમ. માંગુકિયા દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેના કારણે તેમણે 22-09-2025ની વહેલી સવારે આ કોર્ટની રજિસ્ટ્રીના દરવાજા ખખડાવ્યા, જેમાં તાત્કાલિક સર્ક્યુલેશન માટે તેમની સહી સાથેની નોટ હતી, જે રજિસ્ટ્રીના અધિકારી દ્વારા 23-09-2025 ના આશરે 00.20 વાગ્યે પ્રાપ્ત થઈ હોવાનું જણાય છે. વકીલ બી.એમ. માંગુકિયાએ તે જ મોડી રાત્રે હાલની અપીલના તાત્કાલિક સર્ક્યુલેશન માટે વિનંતી કરી. આ કોર્ટની રજિસ્ટ્રીએ વકીલ માંગુકિયા દ્વારા માંગવામાં આવેલી આવી તાકીદને ગંભીરતાથી લીધી અને આ હાઇ કોર્ટની પ્રક્રિયાઓ અને નિયમો અનુસાર, સૌ પ્રથમ માનનીય મુખ્ય ન્યાયાધીશનો વહીવટી આદેશ સુરક્ષિત કર્યો, સર્ક્યુલેટ કર્યો અને આજે જ એટલે કે 23-09-2025 ના રોજ આ કોર્ટ સમક્ષ આ મામલો મૂક્યો હતો.
કોર્ટે કહ્યું કે કોર્ટનું કામકાજ સામાન્ય રીતે સવારે 11:00 વાગ્યે શરૂ થાય છે, પરંતુ આવી સખત તાકીદની અને આતુરતાને ધ્યાનમાં લઈને કોર્ટ સવારે 10:00 વાગ્યે તાત્કાલિક ધોરણે મામલો સાંભળવા માટે બેઠી હતી. કોર્ટે એ પણ અવલોકન કર્યું કે સુનાવણી સવારે 11:45 વાગ્યે પૂર્ણ થઈ ત્યાં સુધી, પ્રતિવાદીઓ દ્વારા કથિત રીતે કોઈ ડિમોલિશનનું કામ શરૂ કરવામાં આવ્યું નહોતું.
રાજ્ય અને ગુજરાત હાઉસિંગ બોર્ડના વકીલે કોર્ટને જાણ કરી કે તેઓ ટ્રાયલ કોર્ટ સમક્ષ કેવિયેટ પર હતા અને તેમને દસ્તાવેજો સાથે દાવાની એડવાન્સ નકલ આપવામાં આવી હતી. મનાઈ હુકમની અરજી પરની સુનાવણી 22 સપ્ટેમ્બરે ટ્રાયલ કોર્ટ સમક્ષ થઈ હતી અને તે તારીખ સુધી અપીલકર્તાઓને સુરક્ષા આપવામાં આવી હતી.
કોર્ટે જણાવ્યું, લાંબા સમય સુધી વાદીઓએ પ્રથમ તબક્કે સિવિલ કોર્ટનો સંપર્ક કરવા અંગે કંઈ કર્યું નહોતું. 15-09-2025 ના રોજ વકીલ માંગુકિયા દ્વારા જ દાવો દાખલ કર્યો હતો, પરંતુ મનાઈ હુકમની અરજીની સુનાવણી માટે 22-09-2025 સુધી રાહ જોઈ હતી. આવી રીતે આ કોર્ટની મશીનરીનો દુરુપયોગ કરવો ખૂબ જ નિંદનીય, બેશરમ અને વખોડવાલાયક છે. કોઈ પણ વકીલે એ ભૂલવું ન જોઈએ કે વકીલ સૌ પ્રથમ કોર્ટનો અધિકારી છે, જે ન્યાય અપાવે છે તેની પણ કોર્ટને સહાય અને મદદ પૂરી પાડવાની ફરજ છે.
આ પણ વાંચો…6 વર્ષની લડાઈ બાદ ખેડૂતોની જીત થઈઃ ગુજરાત હાઇ કોર્ટે પાકવીમાની રકમ ચૂકવવા આદેશ કર્યો