કેજરીવાલ-સંજયસિંહને ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો મોટો ઝટકો ?

અમદાવાદઃ આમ આદમી પાર્ટીની સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને ગુજરાત હાઈ કોર્ટમાંથી ઝટકો મળ્યો હતો. PMની ડિગ્રી અંગે કરેલી ટિપ્પણીના કેસમાંથી અલગ કરવાની કેજરીવાલની અરજી હાઈ કોર્ટે ફગાવી છે. હવે હાઈ કોર્ટના ટ્રાયલ બાદ કેસ આગળ વધારાશે. સાંસદ સંજયસિંહે કરેલી અરજી પણ ફગાવી દેવાઈ હતી.
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહની રિવિઝન અરજીઓ નામંજૂર કરી હતી. જેની સામે તેઓ ગુજરાત હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. હાઈ કોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટે બંનેની અરજીઓ નકારી નાખી હતી.
મૂળ આ કેસમાં તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે 2023માં કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં રાહત માંગી હતી. અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટ બંને રાજકારણીઓ સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી રહી હોવાથી, કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી.
વર્ષ 2023માં એક પત્રકાર પરિષદ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે વડા પ્રધાન મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીનો આરોપ છે કે, આ નિવેદનો અત્યંત અપમાનજનક હતા અને તેનાથી યુનિવર્સિટીની વર્ષો જૂની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું.
આ મામલે યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. નોંધનીય છે કે, હાઈ કોર્ટે જ્યારે વડા પ્રધાનની MAની ડિગ્રી જાહેર કરવાના સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના આદેશને રદ કર્યો, તેના એક મહિનામાં જ આ નિવેદનો કરવામાં આવ્યા હતા.



