ગુજરાત હાઈ કોર્ટે ખૂનના આરોપીને કેન્સરની સારવાર માટે વિદેશ જવા મંજૂરી ના આપી

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે ખૂનના આરોપીને કેન્સરની સારવાર માટે વિદેશ જવાની મંજૂરી આપી નહોતી. કોર્ટે કહ્યું કે, ભારતમાં પણ વિશ્વસ્તરીય સારવાર મળે છે. ભારત મેડિકલ સુવિધાઓનું કેન્દ્ર છે અને દેશમાં લગભગ તમામ સારવારના વિકલ્પો ઉપલબ્ધ છે.
શું છે મામલો
આ કેસ ઝફર દરગાહવાલા સાથે સંબંધિત છે. તેઓ છેલ્લા ચાર દાયકાથી અમેરિકાના નાગરિક છે અને નવસારીમાં પૂર્વજોની સંપત્તિ અંગેના 2022ના વિવાદ સાથે સંકળાયેલા હત્યા અને ગુનાહિત કાવતરાના આરોપોનો સામનો કરી રહ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલા દરગાહવાલાને માર્ચ 2024માં આરોગ્યના કારણોસર નિયમિત જામીન આપવામાં આવ્યા હતા. જામીન આપતી વખતે, હાઈ કોર્ટે તેમની હિલચાલને ગુજરાત પૂરતી મર્યાદિત કરી હતી, મુંબઈની તબીબી મુલાકાતો પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેમને પાસપોર્ટ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
એક નવી અરજીમાં, દરગાહવાલાએ રજૂઆત કરી હતી કે તેમની તબિયત ગંભીર રીતે બગડી છે. તેમણે જણાવ્યું કે તેમણે પહેલેથી જ સારવાર પાછળ ₹ 20 લાખથી વધુ ખર્ચ કર્યા છે, તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને લકવોપણ થયો હતો. હાલ તેઓ પથારીવશ છે, દૈનિક પ્રવૃત્તિઓ માટે સહાય પર આધારિત છે. તેમણે દલીલ કરી કે તેમનો પરિવાર યુએસમાં છે અને તેમને વધુ સારી સંભાળની જરૂર છે, તેથી તેમણે વિદેશમાં સારવાર કરાવવા માટે છ મહિના માટે જામીનની શરતોમાં છૂટછાટ આપવાની માંગ કરી હતી. તેમના વકીલે દલીલ કરી હતી કે દરગાહવાલા તેમની તબિયતને કારણે છેલ્લા કેટલાક સમયથી કોર્ટની સુનાવણીમાં હાજર રહી શક્યા નથી, તેથી તેમની ગેરહાજરીથી ટ્રાયલની કાર્યવાહીને વધુ અસર થશે નહીં.
ફરિયાદીના વકીલે શું કરી દલીલ
ફરિયાદીના વકીલે આ વિનંતીનો વિરોધ કર્યો અને ભારપૂર્વક જણાવ્યું કે આ હત્યા સોપારી આપીને કરાયેલી હત્યા હતી અને જામીન માત્ર આરોગ્યના કારણોસર આપવામાં આવ્યા હતા. ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે જો તેમને વિદેશ પ્રવાસની પરવાનગી આપવામાં આવશે, તો દરગાહવાલા ક્યારેય પાછા નહીં ફરે. રાજ્યે એ પણ ધ્યાન દોર્યું કે ભારતમાંથી યુએસને કરવામાં આવેલી 61 પ્રત્યાર્પણ વિનંતીઓ હજી પણ પેન્ડિંગ છે.
ન્યાયાધીશે શું કહ્યું
અરજીને ફગાવી દેતા ન્યાયાધીશ ડી. એ. જોષીએ કહ્યું કે, હાલમાં ભારત તબીબી સુવિધાઓનું કેન્દ્ર હોવાની વાત સાચી છે. લગભગ તમામ મેડિકલ સુવિધાઓ ભારતમાં ઉપલબ્ધ છે અને અરજદાર સરળતાથી તેનો લાભ લઈ શકે છે. અરજદાર જે સારવાર લેવા જઈ રહ્યા છે તે માત્ર અમેરિકામાં જ ઉપલ્બધ છે તેવું દર્શાવતા કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
આપણ વાંચો: મહાદેવ વર્સીસ મુહમ્મદ: ગુજરાતમાં સોશિયલ મીડિયા સ્ટેટસના કારણે થયાં તોફાન, 60ની ધરપકડ…