2011માં સસરાની હત્યા કરનારા જમાઈની હાઈ કોર્ટે આજીવન કેદની સજા રદ કરી

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે સસરાની હત્યાના એક કેસમાં જમાઈની આજીવન કેદની સજા રદ કરી હતી. તેમજ નવેસરથી ટ્રાયલ ચલાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે અવલોકન કરતાં નોંધ્યું કે, આરોપીની માનસિક સ્થિતિ અંગે યોગ્ય તપાસ કરવાની પ્રક્રિયાનું પાલન ન કરવાના કારણે ટ્રાયલની કાયદેસરતા સામે પડકાર ઉભો થયો હતો. ચાર્જ ફ્રેમના તબક્કાથી નવેસરથી ટ્રાયલનો આદેશ આપતા ન્યાયાધીશ આઈ. આર. વોરા અને ન્યાયાધીશ આર. ટી. વચ્છાણીની બેન્ચે આરોપી મહેન્દ્ર જાદવને 11 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ ₹ 10,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
2011માં સસરાની કરી હતી હત્યા
આરોપી પર 2011માં તેના સસરા મેઘરામની હત્યા કરવા અને તેમના ભાઈ પર હુમલો કરવાનો આરોપ હતો. એક વર્ષ બાદ, સિટી સેશન્સ કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી હતી. જોકે, ટ્રાયલ શરૂ થાય તે પહેલાં આરોપીના ભાઈએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે તેની માનસિક સ્થિતિ સ્થિર નથી અને તેની દવાઓ ચાલી રહી છે.
કોર્ટને જાણ કરવામાં આવી હતી કે 2010માં અમદાવાદની મેન્ટલ હોસ્પિટલના ક્લિનિકલ અભિપ્રાય મુજબ, જાદવ માનસિક વિકૃતિથી પીડાતો હતો અને તપાસ દરમિયાન તે સહકાર આપતો નહોતો તેમજ નકારાત્મક વિચારો ધરાવતો હતો. ટ્રાયલ પહેલાં તેની માનસિક સ્થિતિને ધ્યાને લેવાની વિનંતી પર, કોર્ટે CrPC ની કલમ 329 ની જોગવાઈઓ હેઠળ મેન્ટલ હોસ્પિટલમાં તેની તબીબી તપાસનો આદેશ આપ્યો હતો. જેલ સત્તાવાળાઓ સાથે આ પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ કોર્ટે જાદવની માનસિક બીમારી અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા વગર જ ટ્રાયલ શરૂ કરી દીધી હતી.
કોર્ટે શું કહ્યું
કોર્ટના આદેશ છતાં જાદવને મેન્ટલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો નહોતો. હાઈ કોર્ટે જણાવ્યું કે, ટ્રાયલ કોર્ટ CrPC ની કલમ 329 હેઠળ ફરજિયાત તપાસ કરવામાં નિષ્ફળ રહી હતી અને આરોપીની માનસિક સ્થિતિ અંગે કોઈ તારણ નોંધ્યું નહોતું.. વર્તમાન કેસના અસામાન્ય તથ્યો અને સંજોગોને ધ્યાનમાં લેતા, અમારા મતે CrPC ની કલમ 329ની ફરજિયાત જોગવાઈઓના બિન-પાલનને કારણે ટ્રાયલ અમાન્ય ઠરે છે. તેથી દોષિત ઠેરવવાનો ચુકાદો અને સજાનો આદેશ કાયદાની દૃષ્ટિએ ટકી શકે તેમ નથી.
આ પણ વાંચો…રોંગ સાઇડ વાહન ચલાવવાના કેસને કારણે પાસપોર્ટ રિન્યૂ ન થયો, જાણો ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો આદેશ



