પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા ગુજરાત હાઈ કોર્ટ લાલઘૂમ, AMCને બોટલ ક્રશિંગ મશીન લગાવવા આપ્યો આદેશ

અમદાવાદઃ પ્લાસ્ટિક પ્રદૂષણને નિયંત્રિત કરવા ગુજરાત હાઈ કોર્ટની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણીની બોટલો ક્રશ કરવા અને નિયમો મુજબ પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે રિવર્સ પ્લાસ્ટિક વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવા નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે મહાનગરપાલિકાના બજારોને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની દિશામાં કામ કરવા પણ જણાવ્યું હતું. આ મામલે વધુ સુનાવણી 6 માર્ચે થશે.
હાઈ કોર્ટે એવી ટકોર કરી હતી કે, અમદાવાદ શહેરમાં AMCએ જ્યાં વધુ લોકોની અવર જવર હોય ત્યાં પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મુકવાની જરૂર છે. AMCએ જણાવ્યું કે, એક ફ્લાવર શોમાં મૂકાયું છે. પ્લાસ્ટિક નહીં વાપરવા, જાહેરાત કરવા, લોકોને જાગૃત કરવા અને બાળકોને પ્રેરણા આપવા કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટ અમિત પંચાલ દ્વારા ગિરનાર અને શહેરના અન્ય ભાગોમાં કચરાના નિકાલ અંગે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. AMC અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે તેમના દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો દર્શાવતા સોગંદનામા રજૂ કર્યા હતા.
AMC ના જણાવ્યા અનુસાર, તેમણે શહેરમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટે એક વ્યાપક અભિયાન શરૂ કર્યું છે, જેને કડક અમલીકરણ અને વ્યાપક જાહેર જનસંપર્ક કાર્યક્રમનું સમર્થન પ્રાપ્ત છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લાસ્ટિક કચરાને નિયંત્રિત કરવા માટે બહુપક્ષીય વ્યૂહરચનાની વિગતો આપી હતી, જેમાં ફળ અને શાકભાજી બજારો જેવા વધુ અવરજવર ધરાવતા વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
સોગંદનામામાં જણાવ્યા મુજબ, નવેમ્બર 2025ના અંતથી જાન્યુઆરી 2026 ની શરૂઆત દરમિયાન, AMC એ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદનોના સંગ્રહ, વિતરણ અને ઉત્પાદનમાં સંકળાયેલા એકમોને નિશાન બનાવીને શહેરભરમાં આકસ્મિક તપાસની શ્રેણી હાથ ધરી હતી. તપાસની ગુપ્તતા જાળવી રાખવા માટે અધિકારીઓની એક વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન, 74536 થી વધુ એકમોની તપાસ કરવામાં આવી હતી અને 15300 થી વધુ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ કડક કાર્યવાહીમાં અંદાજે 1238.7 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી અને 43 લાખ રૂપિયા થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
પ્લાસ્ટિકની થેલીઓ ઘણીવાર સ્થાનિક ફેરિયાઓ દ્વારા ઘરોમાં પહોંચતી હોવાનું સ્વીકારીને, AMC એ ફળ અને શાકભાજી બજારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 10મુખ્ય બજારો અને 34 સ્થાનિક ક્લસ્ટરોની ઓળખ કરવામાં આવી હતી. અહીં વિક્રેતાઓને તેમના વિસ્તારોને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પહેલના ભાગરૂપે અંદાજે 1050 વિક્રેતાઓ ને જોડવામાં આવ્યા હતા અને તેમને ગ્રાહકોને વહેંચવા માટે કાપડની થેલીઓ પૂરી પાડવામાં આવી હતી.



