રાજ્યમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર હાઇ કોર્ટ લાલઘૂમ, સરકારને કરી માર્મિક ટકોર
અમદાવાદઃ રાજ્યમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં બેફામ થઈ રહેલા વેચાણને લઇ હાઇ કોર્ટે ગુજરાત સરકારને આ વસ્તુના તાત્કાલિક વેચાણ બંધ કરવા ટકોર કરી હતી. અરજદારે જોખમી દોરી અને ચાઇનીઝ તુક્કલ પર રોક લગાવવા માંગ કરી હતી. હાઇ કોર્ટે રાજ્ય સરકારને જાહેરમાં રંગવામાં આવતી દોરીની પણ તપાસ કરવા સૂચના આપી હતી. તેમજ લોકોના જીવ જોખમમાં ન મૂકાય તેનું ધ્યાન રાખવા ટકોર કરી હતી.
આ પણ વાંચો: અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ: ગુજરાત હાઇ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો શું છે મામલો?
ગુજરાતમાં લોકો ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરે છે અને તેના ભાગ રૂપે ક્યારેક અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે. તેમજ ચાઇનીઝ દોરીથી લોકોને નુકસાન ન થાય તે માટે પણ લોકો જાગૃત નથી. ગુજરાતમાં ખાનગીમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થઈ રહ્યું છે. ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે અને તુક્કલથી આગ લાગવાની અનેક ઘટનાઓ પણ બની હતી. જેમાં મોટા પાયે નુકસાન થયું હતું. આવી ઘટનાઓ ન બને તે માટે હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં ડીજીપી સહિત પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે ઘટના?
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ભિલોડાની લોલછા ગ્રામ પંચાયતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન થાય તે માટે અનોખી પહેલ કરી હતી. લોલછા ગ્રામ પંચાયતમાં કોઇ ચાઇનીઝ દોરી વેચતા પકડાય તો તેને રૂપિયા 5000નો દંડ પણ થશે.