બાળકો મોબાઇલથી હિંસા શીખે છે: વિદ્યાર્થીની હત્યા મુદ્દે ગુજરાત હાઈ કોર્ટે વ્યક્ત કરી ચિંતા

અમદાવાદઃ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે હાઇ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલે ડીઈઓએ સ્કૂલને નોટિસ આપી હતી. જેને લઇ સ્કૂલ હાઇ કોર્ટમાં પહોંચી હતી. જોકે હાઇ કોર્ટે સ્કૂલને તપાસમાં ખાતરી આપવા જણાવ્યું હતું. કોર્ટ સુનાવણી દરમિયાન મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું કે, બાળકો મોબાઇલથી હિંસા શીખે છે.
કોર્ટે પૂછ્યું હતું કે સેવન્થ ડે સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થી અથવા સ્કોલરશિપ ઉપર ભણતા વિદ્યાર્થીઓ છે? જેના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ સ્કૂલમાં આરટીઈ નિયમો પાળવા પ્રયત્ન કરાઈ રહ્યા છે, પણ સફળતા મળી નથી. સ્કૂલે કહ્યું હતું કે મૃતક વિદ્યાર્થીની યાદમાં સ્કૂલે સ્કોલરશિપની જાહેરાત કરી છે. કોર્ટે સૂચન કર્યું હતું કે સ્કૂલમાં 10 ટકા બાળકોને મૃતકની યાદમાં આરટીઈની જેમ એડમિશન આપવામાં આવે. આ મુદ્દે વધુ સુનાવણી 24 સપ્ટેમ્બરે યોજાશે.
આ પણ વાંચો : 75 વર્ષે નિવૃત્તિ અંગે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કરી સ્પષ્ટતા! ત્રણ બાળકોની વાત પણ દોહરાવી
આ સુનાવણીમાં મૃતક વિદ્યાર્થીના વાલી વતી વકીલે આ સુનાવણીમાં જોડાવા માંગ કરી હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે કોર્ટને તેમનાથી પૂરી હમદર્દી છે. આવું કોઈ પણ વાલી સાથે થવું જોઈએ નહીં, પરંતુ શાળાના 10 હજાર બાળકોનો ભવિષ્યને અનિશ્ચિતતામાં મૂકી શકાય નહીં. આરોપીને ઝડપી લેવાયા છે, તેમની સામે કાયદા અનુસાર પગલાં લેવાશે.
અમદાવાદમાં 19 ઓગસ્ટે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી. જેના કારણે વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો.