Gujarat હાઈકોર્ટમાં માતૃભાષામાં કાર્યવાહીની માગ સાથે વકીલોના ધરણા

અમદાવાદઃ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત(Gujarat)હાઇકોર્ટમાં પણ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં કાનૂની કાર્યવાહી કરવાની માગ સાથે હાઈકોર્ટ બહાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિના હોદ્દેદારો અને સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન યોજ્યું હતું. આ સમિતિના કન્વીનર, સિનિયર એડવોકેટ અને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અસીમ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વર્ષ 2012માં વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો, એ મુજબ ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારવામાં આવે.
નીચલી અદાલતના વકીલોને પણ તેનો લાભ મળે
જો કે, તેના 13 વર્ષ પછી પણ તેનું અમલીકરણ થઇ શક્યું નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા માટે આ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આગામી 1 મે, 2025ના રોજ ગુજરાત સ્થાપના દિને પણ તેમના દ્વારા કાર્યક્રમ આપવામાં આવશે. જો ગુજરાતી ભાષામાં સુનાવણી થાય તો અસીલો પણ સમજી શકે કે તેમના કેસમાં શું થઈ રહ્યું છે. તેમના વકીલ શું રજૂઆત કરી રહ્યા છે. આ મુદ્દા ઉપર એડવોકેટ રોહિત પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઠરાવ કરીને રાજ્યપાલને મોકલ્યો હતો, પરંતુ તેને હજુ સુધી મંજૂરી મળી નથી. જો હાઇકોર્ટમાં ગુજરાતીમાં સુનાવણી થાય તો નીચલી અદાલતના વકીલોને પણ તેનો લાભ મળે.
તેમના વિચારો જે ગુજરાતી ભાષામાં છે
અસીમ પંડ્યાએ ગુજરાત હાઇકોર્ટના વકીલોને જણાવ્યું હતું કે, લગભગ 90 ટકા જેટલા વકીલો ગુજરાતી કુટુંબમાંથી આવે છે. આમ ગુજરાતી ભાષા એમની માતૃભાષા અને સહજ ભાષા છે. આપણા વિચારો અને મૌલિકતા આપણી માતૃભાષામાં વિશેષ ઊભરીને આવે છે. આપણા મોટાભાગના વકીલમિત્રો જ્યારે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે ત્યારે મહદ્અંશે તેમના વિચારો જે ગુજરાતી ભાષામાં છે. તેનું અનુવાદ કરી અને અંગ્રેજી ભાષામાં બોલે છે.
પોતાના 36 વર્ષના વ્યવસાયિક જીવનમાં તેમને જોયું છે કે ઘણા બધા વકીલ મિત્રો માટે અંગ્રેજી ભાષામાં દલીલ કરવી સહજ અને સાનુકૂળ નથી અને તેને કારણે વાક્યરચનાની ભૂલો અને વ્યાકરણની ભૂલો સાથે અંગ્રેજી ભાષામાં દલીલ કરે છે. તેમ છતાં જ્યારે ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષાની વૈકલ્પિક ભાષા તરીકે ઉપયોગ થાય અને તેને માન્યતા મળે તેવી વાત કરવામાં આવે ત્યારે તેનો જબરદસ્ત વિરોધ થાય તે ગળે ઉતરે તેવી વાત નથી.
આ પણ વાંચો…ગુજરાતમાં GAS કેડરના 11 અધિકારીઓને બઢતી અપાઈ
ગુજરાતી શબ્દો એવા છે કે જેનો પર્યાય અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ નથી
અંગ્રેજી ભાષા માટે વિરોધ નથી, પરંતુ ગુજરાતી ભાષા વૈકલ્પિક ભાષા તરીકે ગુજરાત હાઇકોર્ટમાં સ્વીકારવામાં આવે તેવો છે. સૌને પોતાની ભાષા માટે ગર્વ હોવો જ જોઈએ. ગુજરાતી ભાષા બોલનારને હીનતા લાગણીથી જોઈએ એ આપણી ભાષાનું અપમાન છે. અંગ્રેજી ભાષાના વ્યાપક ઉપયોગને કારણે ઘણા બધા અંગ્રેજી શબ્દો આપણે આપણી ભાષામાં સ્વીકારીએ જ છીએ અને તેનો વિકલ્પ પણ નથી. તેવી જ રીતે ઘણા બધા ગુજરાતી શબ્દો એવા છે કે જેનો પર્યાય અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ નથી.