અમદાવાદ

છૂટાછેડા વખતે મિલકત પરનો હક જતો કરવા સહમત થયા બાદ પત્ની તેમાંથી ફરી શકે નહીં: હાઈ કોર્ટ

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે ફરી એક વખત સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટે કહ્યું કે, છૂટાછેડા દરમિયાન સહમત થયેલી શરતોન ફેમિલી કોર્ટ દ્વારા સંપૂર્ણપણે અમલવારી કરવા યોગ્ય છે. અગાઉ ફેમિલી કોર્ટે એક છૂટાછેડા લીધેલી મહિલાને તેના પૂર્વ પતિ સાથેની સંયુક્ત મિલકતમાંથી પોતાનો હક જતો કરવા આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો, જેને કોર્ટે માન્ય રાખ્યો નથી.

શું છે મામલો

આ કેસમાં સંકળાયેલા દંપતીના લગ્ન 2008માં અમદાવાદમાં થયા હતા. તેમને 2015માં એક પુત્રી થઈ અને 2019માં ફેમિલી કોર્ટમાંથી પરસ્પર સંમતિથી છૂટાછેડા મેળવ્યા હતા. હિન્દુ મેરેજ એક્ટ હેઠળ તેમની અરજીમાં શાંતિપૂર્ણ રીતે અલગ થવા માટે વિવિધ શરતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં પુત્રીની કસ્ટડી માતા પાસે રહેશે અને પત્ની વસ્ત્રાપુર સ્થિત ફ્લેટમાં પોતાનો માલિકી હક જતો કરશે તેમજ સબ-રજિસ્ટ્રાર પાસે રિલીઝ ડીડ નોંધાવવામાં સહકાર આપશે તેવી શરત હતી.

2021માં જ્યારે પતિએ તેની પૂર્વ પત્નીને કરાર મુજબ મિલકતના હક છોડવા વિનંતી કરી, ત્યારે મહિલાએ ગલ્લાતલ્લા કર્યા અને તેના બદલે આ હક તેમની પુત્રીને ટ્રાન્સફર કરવા જણાવ્યું. આથી પતિએ ફેમિલી કોર્ટનો સંપર્ક કર્યો અને મિલકતના રેકોર્ડમાંથી પત્નીનું નામ હટાવવા માટે સમાધાનની શરતોના અમલની માંગ કરી.

2023માં, ફેમિલી કોર્ટે આ રાહત આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે છૂટાછેડાના હુકમનામામાં દસ્તાવેજના અમલીકરણ માટે કોઈ ચોક્કસ નિર્દેશ આપવામાં આવ્યો નથી. ફેમિલી કોર્ટે કહ્યું કે જો અરજદાર રિલીઝ ડીડ કરાવવા માંગતા હોય, તો તેઓ ‘સ્પેસિફિક રિલીફ એક્ટ’ની જોગવાઈઓ મુજબ કરારના પાલન માટે અલગ દાવો દાખલ કરી શકે છે.

પતિએ ફેમિલી કોર્ટના આ આદેશને પડકાર્યો હતો. ન્યાયધીશ સંગીતા વિષેન અને ન્યાયાધીશ નિશા ઠાકોરની બેન્ચે આ આદેશને રદબાતલ ઠેરવ્યો હતો અને ઠરાવ્યું હતું કે એકવાર સમાધાનની શરતો સંમતિથી મેળવેલા છૂટાછેડાના હુકમનામાનો ભાગ બની જાય, પછી તે હુકમનામાનો જ હિસ્સો ગણાય છે અને તેનો અમલ થવો જ જોઈએ.

કોર્ટે શું કહ્યું

હાઈ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું પત્નીને એકવાર ફેમિલી કોર્ટના હુકમનામાનો સ્વીકાર કર્યા પછી ફરી જવાની અને છૂટાછેડાના દસ્તાવેજ તેમજ ચુકાદા સામે ફરિયાદ કરવાની મંજૂરી આપી શકાય? કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, હુકમનામાના અમલીકરણ માટે ફેમિલી કોર્ટ પક્ષકારને એવા મુદ્દાઓ માટે અલગ દાવો દાખલ કરવા કહી શકે નહીં જેના પર અગાઉથી સહમતી સધાઈ ગઈ હોય અને તે મુજબ ચુકાદો આપી દેવાયો હોય. જો આવી પરવાનગી આપવામાં આવે તો તે 1984ના એક્ટ તેમજ 1955ના એક્ટની ભાવનાની વિરુદ્ધ જશે. આ બંને કાયદાઓનો મુખ્ય ઉદ્દેશ્ય મુકદ્દમા ઘટાડવાનો અને પક્ષકારો વચ્ચેના વિવાદોનો વહેલો ઉકેલ લાવવાનો છે.

આ પણ વાંચો…‘પલ્પ ફિક્શન’ની યાદ અપાવતા કેસમાં ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો? જાણો વિગત…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button