
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે વધુ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટે બે યુવાનોને નિર્દોષ છોડતા ચેતવણી આપી હતી કે, કિશોરાવસ્થાના પ્રેમ સંબંધોને કાયદાનું રક્ષણ નથી, જેલની હવા પણ ખાવી પડી શકે છે. હાઈ કોર્ટના ન્યાયાધીશે અવલોકન કર્યું કે, વાલીઓએ તેમની સગીર દીકરીઓની સાથે યુવાન દીકરાઓને પણ શિક્ષિત કરવાની જરૂર છે. કિશોરાવસ્થામાં સહમતીથી બંધાયેલા સંબંધોને કાયદાનું રક્ષણ મળતું નથી. કાયદો આવા કિસ્સામાં ગુનાહિત માનસિક સ્થિતિ માની લે છે અને યુવાને કોઈ ગુનો કર્યો નથી તેમ સાબિત કરવું પડે છે.
ઘણા યુવાનો કડક કાયદાઓને કારણે જેલમાં
આ અવલોકન સાથે હાઈ કોર્ટે એક યુવતીના અપહરણના આરોપમાં બે યુવકનો દોષિત ઠેરવતા આદેશને રદ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે તેઓ વાસ્તવમાં ‘ગુડ સમરિટન્સ’હતા, તેમણે યુવતીને મદદ કરી હતી, પરંતુ તેના બદલામાં તેઓ જેલમાં પહોંચી ગયા હતા. હાઈ કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે, ઘણા યુવાનો કડક કાયદાઓને કારણે જેલમાં સડી રહ્યા છે. કાયદો 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથેના સંબંધોને મંજૂરી આપતો નથી, ભલે તે સંબંધ મૈત્રીપૂર્ણ કેમ ન હોય.
યુવાનોએ હાઈ કોર્ટમાં કેમ અપીલ કરી
ગાંધીનગરની ટ્રાયલ કોર્ટે બે યુવાનોને યુવતીનું અપહરણ કરવા, લગ્ન માટે દબાણ કરવા અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે યુવાનોએ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી.
યુવતીના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી FIR મુજબ, આરોપીએ તેમની પુત્રીને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું અને મિત્રની મદદથી પિતાની કાયદેસરની છત્રછાયામાંથી લઈ ગયો હતો. આરોપ હતો કે તેઓ 9 એપ્રિલ, 2004 સુધી યુવતીની મરજી વિરુદ્ધ ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈમાં રહ્યા હતા. જોકે, આરોપીઓએ આ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે યુવતી પુખ્ત વયની હતી અને પોતાની મરજીથી ઘર છોડીને આવી હતી. તેમના વકીલે દલીલ કરી હતી કે યુવતીને લલચાવવામાં આવી ન હતી અને ટ્રાયલ કોર્ટે જન્મ તારીખના પુરાવાઓને યોગ્ય રીતે ધ્યાનમાં લીધા ન હતા.
કોર્ટે શું કહ્યું?
તમામ પુરાવાઓની તપાસ કર્યા પછી, હાઈ કોર્ટે આ સજાને રદ કરી હતી. કોર્ટે ખાસ નોંધ્યું હતું કે યુવતીની ઉંમર શંકાથી પર રહીને સાબિત થઈ શકી નથી, તેથી આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત હાઈ કોર્ટે અદાલતી કાર્યવાહીમાં ગુજરાતી ભાષામાં દલીલો કરવાની મંજૂરી માંગતી એક અરજીને ફગાવી દીધી હતી. હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ ડી. એન. રાયની ખંડપીઠે રાજકોટના એક વૃદ્ધ અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી આ રિટ પિટિશનને રદ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, હાઈ કોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે જો ગુજરાતીમાં દલીલોની મંજૂરી આપવામાં આવે તો અદાલતી કામગીરીમાં અવરોધ ઊભો થઈ શકે છે, કારણ કે કોર્ટના તમામ પ્રશ્નો અને અંતિમ આદેશો માત્ર અંગ્રેજીમાં જ જારી કરવામાં આવે છે.
આ પણ વાંચો…ગુજરાત હાઈ કોર્ટનો મહત્વનો નિર્ણય: કોર્ટની કાર્યવાહીમાં ગુજરાતી ભાષામાં દલીલો કરવાની માંગ ફગાવી



