ગુજરાત હાઇ કોર્ટમાં બદલીનો વિરોધઃ ન્યાયાધીશની ટ્રાન્સફરનો પ્રસ્તાવ, વકીલો હડતાળ પર

અમદાવાદ: સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દેશની વિવિધ હાઇ કોર્ટના 14 ન્યાયાધીશની બદલીની ભલામણ કરી હતી, જેમાં ગુજરાત હાઇ કોર્ટના બે ન્યાયાધીશ, જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની મધ્ય પ્રદેશ હાઇ કોર્ટ અને જસ્ટિસ સી.એમ. રોયની આંધ્ર પ્રદેશ હાઇ કોર્ટમાં બદલી કરવાની ભલામણ કરવામાં આવી હતી.
જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઇ કોર્ટ એડવોકેટ એસોસિએશને અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી હતી. આ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે, જે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાને રજૂઆત કરશે.
સુપ્રીમ કોર્ટની કોલેજિયમે આ બદલીઓ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત બદલીઓની યાદી ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.
આ પણ વાંચો: 6 વર્ષની લડાઈ બાદ ખેડૂતોની જીત થઈઃ ગુજરાત હાઇ કોર્ટે પાકવીમાની રકમ ચૂકવવા આદેશ કર્યો
ન્યાયાધીશ ભટ્ટના આદેશને ડિવિઝન બેન્ચે રદ કર્યો
ન્યાયાધીશ સંદીપ ભટ્ટના બદલીના સમાચાર સીસીટીવી કેમેરાના મુદ્દે હાઇ કોર્ટના આઇટી રજિસ્ટ્રાર વિરુદ્ધ તેમણે આપેલા આદેશને ડિવિઝન બેન્ચે રદ કર્યા બાદ આવ્યા છે. ન્યાયાધીશ સંદીપ ભટ્ટના આ આદેશને રજિસ્ટ્રારે હાઇ કોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો હતો.
ડબલ જજની બેન્ચે ન્યાયાધીશ ભટ્ટના આદેશને રદ કરતા જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરાના મુદ્દે સિંગલ જજની ચિંતા પ્રશંસનીય છે, પરંતુ તેઓ આવા મુદ્દા પર રજિસ્ટ્રીને આદેશ આપી શકતા નથી. આ વિષય ચીફ જસ્ટિસના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે અને સિંગલ જજનો આદેશ ચીફ જસ્ટિસની સત્તાની વિરુદ્ધ જાય છે.