ગુજરાત હાઈકોર્ટે પ્રદુષિત પાણી ગામના તળાવમાં ઠાલવવા મુદ્દે સત્તાધિકારીઓને અવમાનના નોટિસ પાઠવી

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ જીલ્લાના ગામોમાં પ્રદુષિત પાણી ઠાલવવા મુદ્દે સત્તાધિકારીઓને નોટીસ ફટકારી છે. આ અંગે અદાલતમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી દરમિયાન કોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડના હોદ્દેદાર એમડી વિરુદ્ધ અવમાનના નોટિસ ઇસ્યુ કરી છે.
પ્રદૂષણને રોકવા માટે નક્કર આયોજન કરવા પણ આદેશ
આ જાહેર હિતની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ જીલ્લાના ધોળકાના ભેટાવાડા, ત્રસાડ અને નેસડા ગામના તળાવમાં શુદ્ધિકરણ કર્યા વિનાનું ગટરનું પાણી ઠાલવવા આવે છે. જયારે કોર્ટે જવાબદાર અધિકારીઓને જાહેરહિતની અરજીમાં રજૂ કરવામાં આવેલા મુદ્દાનો ઉકેલ લાવવા જણાવ્યું છે. તેમજ કેસની આગામી સુનાવણી સુધીમાં આ ત્રણ ગામોના તળાવોમાં પાણીના પ્રદૂષણને રોકવા માટે નક્કર આયોજન કરવા પણ આદેશ આપ્યો છે.
ગામના તળાવમાં ગટરના પાણીની હાજરી
આ ઉપરાંત હાઈકોર્ટે અરજીની સુનાવણીમાં ટાંક્યું હતું કે પાણીના નમૂનાના અહેવાલમાં ગંધ અને ફેકલ કોલિફોર્મની હાજરીનો ઉલ્લેખ છે. જયારે ત્રાસદ, ભેટાવડા અને નેસડા ગામના તળાવમાં ગટરના પાણીની હાજરી છે. તેમજ અહેવાલના તારણો કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરતા હોય તેવું લાગે છે. તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેની સંપૂર્ણ ક્ષમતા પર કાર્યરત નથી. જયારે ગ્રામજનો તળાવોનો ઉપયોગ તેમના કૃષિ સબંધી હેતુઓ માટે કરે છે.
તળાવને પ્રદૂષણ મુક્ત કરવા માટે આદેશની માંગ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમજ ભેટાવાડા ગામના તળાવને પ્રદૂષણ મુક્ત કરવા માટે આદેશની માંગ કરી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ ચિંતાજનક: NCRB રિપોર્ટમાં સામે આવ્યો ચોંકાવનારો આંકડો