
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી એક સગીર બાળકીના વળતરમાં માતબર વધારો કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ હસમુખ ડી. સુથારની ખંડપીઠે ભુજ-કચ્છની મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલના વર્ષ 2018ના આદેશમાં સુધારો કર્યો હતો. હાઈકોર્ટે ટ્રિબ્યુનલ દ્વારા નિર્ધારિત રૂ. 8.77 લાખના વળતરને અપૂરતું ગણાવી તેને વધારીને રૂ. 21.19 લાખ કરવાનો આદેશ આપ્યો હતો. અદાલતે સ્પષ્ટ કર્યું કે ટ્રિબ્યુનલે બાળકીની વાસ્તવિક આવક અને અપંગતાનું આંકલન કરવામાં ભૂલ કરી હતી.
આ કેસની વિગત મુજબ, એક સગીર બાળકીને એક કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી અને તેને ઘસડી હતી અને તેના કારણે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદની સારવારમાં સગીર બાળકીનો જમણો પગ કાપવો પડ્યો હતો. ટ્રિબ્યુનલે ડ્રાઈવરને જવાબદાર ઠેરવ્યો હતો પરંતુ વળતર નક્કી કરવામાં બાળકીની વાર્ષિક આવક માત્ર રૂ. 24,000 ગણી હતી. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે સગીરોના કિસ્સામાં પણ આવકનું આંકલન તે સમયે પ્રવર્તતા લઘુત્તમ વેતન મુજબ થવું જોઈએ.
કોર્ટે ગુજરાતમાં કુશળ શ્રમિકના લઘુત્તમ વેતન રૂ. 5,750 મુજબ ગણતરી કરી અને તેમાં 40% ભવિષ્યની સંભાવનાઓ ઉમેરી માસિક આવક રૂ. 8,050 ગણી છે. વધુમાં, ડૉક્ટરે શારીરિક અપંગતા 36% જણાવી હોવા છતાં, હાઈકોર્ટે ‘ફંક્શનલ ડિસેબિલિટી’ પર ભાર મૂક્યો હતો. બાળકીનો પગ ઘૂંટણ નીચેથી કપાઈ ગયો હોવાથી અને તે ટેકા વગર ચાલી શકતી ન હોવાથી કોર્ટે તેની અપંગતા 50% નિર્ધારિત કરી છે.
અદાલતે આ કેસમાં સંવેદનશીલ અવલોકન કરતા જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલા પરિવારો શારીરિક અને માનસિક આઘાતમાંથી પસાર થતા હોય છે, ત્યારે ન્યાયિક સત્તાધિકારીઓએ સહાનુભૂતિપૂર્વક કામ કરવું જોઈએ જેથી પીડિતોને ટેકો મળે. કોર્ટે બાળકીને થતી પીડા, લગ્નની સંભાવનાઓમાં ઘટાડો, જીવનના આનંદની ખોટ અને ભાવિ તબીબી ખર્ચ જેવા બિન-આર્થિક નુકસાન હેઠળ પણ વળતરમાં વધારો કર્યો હતો.



