
અમદાવાદઃ સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે આસારામને છ મહિનાના જામીન આપ્યા હતા. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે, જોધપુર કોર્ટે 86 વર્ષના આસારામને છ મહિના માટે જામીન આપ્યા હતા. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હક્ક છે. કોર્ટે કહ્યું આસારામની મેડિકલ પરિસ્થિતિને આધારે તેને જોધપુર હાઇ કોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઇ કોર્ટ તેમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં.
કોર્ટમાં શું થઈ દલીલો
સરકાર પક્ષે રજૂઆત કરી કે, જો જોધપુર જેલમાં મેડિકલ સવલતો પૂરતી ના હોય તો સાબરમતીમાં ટ્રાન્સફર કરો. જ્યારે પીડિતાના વકીલ કહ્યું કે, આવી પરિસ્થિતિમાં આસારામ અમદાવાદ, જોધપુર, ઇન્દોર વગેરે જગ્યાએ ફર્યો, કોઈ હોસ્પિટલના લાંબો સમય સારવાર લીધી નથી. સારવાર મળતી હોય તો જામીનની ક્યાં જરૂર છે. આરોગ્યમ મેડિકલ સેન્ટર જોધપુરમાં ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ છે. હંગામી જામીન આપવાની જરૂર નથી. આસારામને 2018માં કોર્ટે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા આપી હતી. ત્યારબાદ 2023માં ગાંધીનગર કોર્ટે સુરતની એક મહિલા સાથેના દુષ્કર્મ કેસમાં પણ આજીવન કેદની સજા ફટકારી હતી.
આસારામની વર્ષ 2013માં કરવામાં આવી હતી ધરપકડ
આસારામની ઓગસ્ટ 2013માં સગીરા પર બળાત્કાર કરવાના આરોપમાં જેલમાં ધરપકડ કરવામાં આવી હતી. જયારે બે મહિના બાદ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર સુરતમાં તેમના આશ્રમમાં બે મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કોણ છે આસારામ ?
આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખ આપનાર આસારામ પાકિસ્તાનમાં જન્મેલો છે. સિંધી પરિવારમાં જન્મેલા આસુમલ હરપલાની સમયાંતરે આસારામ બાપુ બન્યો. દેશમાં વિભાજન બાદ આસારામનું પરિવાર ભારત આવી વસ્યું હતું. આસારામનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદના મણિનગર સ્થિત જય હિન્દ હાઇસ્કૂલ ખાતે થયું હતું. બાળપણમાં તીવ્ર યાદશકિત થકી અભ્યાસ, ગીતો, કાવ્યો અને વિગતો સત્વરે યાદ રહેતી. ઉંમર વધતા આસારામ નામ ધારણ કરી આરંભમાં ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ આરંભી. પોતાને ધર્મ અને સંસ્કૃતિના ગુરુ બતાવી 1972માં અમદાવાદના મોટેરા ખાતે પહેલા નાની કુટીર બનાવી હતી. ત્યાર બાદ ધીરે ધીરે ભક્તો વધતા એ જ સ્થળે પોતાનો આશ્રમ સ્થાપ્યો, જ્યાંથી તેણે આસારામ બાપુ તરીકેની નામના મેળવી હતી.
પોતાના આરંભના દિવસોમાં આસારામ દ્વારા દૂરના ગ્રામ્ય વિસ્તારમાં વંચિત, શોષિત પ્રજા સાથે ધાર્મિક પ્રવચન, ભજન અને આયુર્વેદિક દવાના ઉપચાર થકી પોતાનો ભક્તિનો વ્યાપ વધાર્યો. આશ્રમમાં અને આસારામના જાહેર કાર્યક્રમોમાં આવતા ભક્તોને વિના મૂલ્યે ભોજન અને અન્ય જરૂરિયાત પૂરી પડાતી. એક રિપોર્ટ પ્રમાણે, 1972 થી આજ સુધી આસારામના 400 થી પણ વધુ આશ્રમ દેશ – વિદેશમાં છે. એવું મનાય છે કે, આસારામ અને તેનો દીકરો નારાયણ સાંઈ હસ્તક આશરે 10 હજાર કરોડની કિંમતની મિલકત છે અને સતત વિવાદો વચ્ચે પણ આસારામના ત્રણ કરોડ જેટલા અનુયાયીઓ હશે.
આપણ વાંચો: અમદાવાદઃ ન્યૂ મણીનગમાં જર્મન શેફર્ડે બે બાળકો પર હુમલો કર્યો, જાણો વિગત



