ગુજરાત હાઇ કોર્ટે બુટલેગર વિજુ સિંધીને આપ્યો ઝટકો, દુબઈથી પ્રત્યાર્પણનો માર્ગ થયો મોકળો

અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટે વોન્ટેડ બુટલેગર વિજય ઉધવાણી ઉર્ફે વિજુ સિંધીને મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે તેના પ્રત્યાર્પણ અને ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસને યોગ્ય ઠેરવી હતી. ગુજરાત પોલીસની કાર્યવાહીને પડકારતી વિજુ સિંધીને અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. વડોદરાનો રહેવાસી વિજુ સિંધી પ્રોહિબીશનના અનેક કેસોમાં મુખ્ય આરોપી છે.
ઈન્ટરપોલે જાહેર કરી હતી રેડ કોર્નર નોટિસ
જુલાઈ 2022 માં તે દુબઈ જતો રહ્યો ત્યાર બાદ ગુજરાત પોલીસે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી હતી. તે મુજબ, ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી અને દુબઈ સરકારને પ્રત્યાર્પણ માટે વિનંતી મોકલવામાં આવી હતી. ભારતના પ્રત્યાર્પણની વિનંતી પર સિંધીની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
હાઇ કોર્ટમાં સિંધીએ દલીલ કરી હતી કે દુબઈમાં પ્રોહિબીશનનો ગુનો લાગુ પડતો નથી, અને તે પ્રત્યાર્પણ કાયદામાં ‘ડ્યુઅલ ક્રિમિનાલિટી’ની જરૂરિયાતને સંતોષતો નથી. દારૂબંધીના ગુનાઓ ગંભીર અથવા સાંસ્કૃતિક ગુનાઓની શ્રેણીમાં આવતા નથી, તેથી રેડ કોર્નર નોટિસ જારી કરવી અયોગ્ય છે. તેમણે દલીલ કરી હતી કે ગંભીર કે સામાજિક ગુનાની ગેરહાજરીમાં ઇન્ટરપોલના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને આ નોટિસ જારી કરવામાં આવી છે, અને પ્રત્યાર્પણની પ્રક્રિયામાં યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું નથી.
રાજ્ય સરકારે દલીલ કરી હતી કે: સિંધી વિરુદ્ધ કુલ 153 કેસ દાખલ છે, જેમાં માત્ર પ્રોહિબીશન જ નહીં, પણ છેતરપિંડી, દાણચોરી અને મની લોન્ડરિંગ જેવા ગંભીર કેસો પણ સામેલ છે, જેની ઈડી દ્વારા નોંધ લેવામાં આવી છે. આ ઉપરાંત ગુજસીટોક હેઠળના કેસનો પણ સામનો કરી રહ્યો છે.
પ્રક્રિયાનું યોગ્ય પાલન થયુંઃ હાઈ કોર્ટ
કેસની સુનાવણી બાદ જસ્ટિસ એચ.ડી. સુથારે સિંધીની અરજીને ફગાવી દીધી હતી અને જણાવ્યું કે પોલીસે પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવામાં યોગ્ય કાર્યવાહીનું પાલન કર્યું છે. હાઇ કોર્ટે અવલોકન કર્યું કે, અહીંનો આરોપ માત્ર દારૂબંધી કે દારૂના સેવન પૂરતો સીમિત નથી, પરંતુ બુટલેગિંગની સંગઠિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગેનો છે. અરજદાર માસ્ટરમાઇન્ડ અને મુખ્ય સપ્લાયર હોવાનો આક્ષેપ છે, જેણે હવાલા ટ્રાન્ઝેક્શન્સ દ્વારા નોંધપાત્ર ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરી છે.
કોર્ટે વધુમાં જણાવ્યું કે સંગઠિત ગુનાની સમાજ અને અર્થતંત્ર પર ગંભીર અસર પડે છે અને તે જાહેર સુરક્ષાને પ્રતિકૂળ અસર કરે છે. રેડ કોર્નર નોટિસની માન્યતાને માત્ર કાયદાકીય પ્રક્રિયાના અભાવ, મૂળભૂત અધિકારોના ભંગ અથવા પુરાવાના અભાવ જેવા કેસોમાં જ પડકારી શકાય છે. આ નિર્ણયથી વિજુ સિંધીને ભારત પરત લાવવાની પ્રક્રિયાને વેગ મળ્યો હતો.
આપણ વાંચો: ઈડીએ અમદાવાદમાં 300 બેંક ખાતામાં પડેલા રૂ. 35.80 કરોડ જપ્ત કર્યા



