જેલોમાં ‘આશ્રમ’ જેવું વાતાવરણ બનાવોઃ ગુજરાત હાઈ કોર્ટનો જેલ આઈજીને નિર્દેશ

અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ (જેલ મહાનિરીક્ષક) ને જેલોમાં ‘આશ્રમ’ જેવું મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવાનો આદેશ આપ્યો હતો.
ન્યાયાધીશ એચ.ડી. સુથારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા પૂર્ણ થયા બાદ પણ બે મહિનાથી વધુ સમયથી અટકાયતમાં રાખવામાં આવેલા એક દોષિતની મુક્તિનો આદેશ આપતા અને તેને વળતર આપતા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, આશા છે કે જેલ સત્તાવાળાઓ મોડેલ જેલ મેન્યુઅલનું પાલન કરીને તમામ કેદીઓ સાથે માનવતા અને સંવેદનશીલતાથી વર્તશે. દોષિતો તથા કેદીઓના પુનર્વસન માટે જરૂરી કાર્યવાહી કરશે. જેલોમાં ‘આશ્રમ’ જેવું મૈત્રીપૂર્ણ વાતાવરણ બને તે જેલ મહાનિરીક્ષક સુનિશ્ચિત કરશે.
આપણ વાંચો: ગોધરા કાંડ: 19 વર્ષ પછી ગુજરાત હાઈ કોર્ટે વિશ્વસનીય પુરાવાના અભાવે ત્રણને નિર્દોષ છોડ્યા
આ ઘટના કેદી રાજુ નિનામા દ્વારા એડવોકેટ એ.એ. ઝબુવાલા મારફત દાખલ કરવામાં આવેલી અરજીમાં બની હતી, જેમાં તેમણે ફરિયાદ કરી હતી કે તેમના ક્લાયન્ટને સજા પૂર્ણ કર્યા પછી પણ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ન હતા. હાઈ કોર્ટે જેલ અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા અને આ બેદરકારી બદલ તેમને ઠપકો આપ્યો હતો.
કોર્ટે કેદીને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો અને જણાવ્યું કે, આ કેસમાં, જેલ સત્તાવાળાઓએ વોરંટમાં આપેલી સ્પષ્ટ સૂચનાઓનું પાલન કરવાને બદલે, એકપક્ષીય રીતે સેટ-ઓફ અવધિ ઘટાડી દીધી, જેના પરિણામે અરજદારને 2 મહિના અને 8 દિવસની વધારાની ગેરકાયદેસર અટકાયત ભોગવવી પડી, જે ગેરકાયદેસર કેદ અને ભારતના બંધારણના અનુચ્છેદ 19 અને 21નું ઉલ્લંઘન છે.
આપણ વાંચો: ગુજરાત હાઈ કોર્ટે એક અરજદારને કેમ ફટકાર્યો લાખો રુપિયાનો દંડ, જાણો શું છે મામલો
મનસ્વીતા અને જોહુકમીથી ઉદ્ભવેલી આવી ગેરકાયદેસર કેદ, દોષિતના મૂળભૂત અધિકારો પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દર્શાવે છે.
જેલ સુપરિન્ટેન્ડેન્ટે કેદીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવા સંમતિ આપી હતી. હાઈ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, બંધારણ તમામ નાગરિકો પ્રત્યે કરુણા દર્શાવવા ફરજ પાડે છે.
જેલના કેદીઓ, ભલે દોષિત હોય, પણ તેમના મૂળભૂત અધિકારો ગુમાવતા નથી. વારંવાર તકો મળવા છતાં, સત્તાવાળાઓ સહાનુભૂતિથી કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યા અને તેમની ગેરકાયદેસર અને મનસ્વી અભિગમને ચાલુ રાખ્યો હતો.
હાઈ કોર્ટે તમામ ન્યાયિક અધિકારીઓને કોઈ અન્ડરટ્રાયલ કેદીઓ, દોષિતો તેમની સજા પૂર્ણ થયા પછી અથવા જામીન મંજૂર થયા પછી એક મિનિટ પણ ગેરકાયદેસર રીતે અટકાયતમાં ન રહે તે સુનિશ્ચિત થાય તેનો નિર્દેશ આપ્યો હતો.