ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઈ કોર્ટ લાલઘૂમઃ માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે આકરા પ્રહારો | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઈ કોર્ટ લાલઘૂમઃ માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે આકરા પ્રહારો

અમદાવાદઃ વડોદરા-આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ નવમી જુલાઈએ તૂટી પડ્યો હતો. બ્રિજ પરથી પસાર થઈ રહેલા ટ્રક, ટેન્કર, કાર અને રિક્ષા સહિતના વાહનો નદીમાં ખાબકતા 21 લોકોના મોત નિપજ્યા હતા. જો કે રાજ્યના પુલોની સ્થિતી અંગે હાઈ કોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે.

મોરબી બ્રિજ દુર્ઘટનામાં મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચે વધુ સુનાવણી હાથ ધરી હતી. હાઈ કોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

આપણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુજપૂર પાસે મહી નદી ઉપર નવા ટુ-લેન પુલને રાજ્ય સરકારની મંજૂરી…

હાઈ કોર્ટે કટાક્ષ કર્યો હતો કે, ચોમાસા પહેલા બ્રિજનું ઈન્સપેક્શન થયું હતું તો શા માટે વડોદરાની ઘટના બાદ ફરીથી ઈન્સપેક્શન કરાયું અને તેમાં રાજ્યમાં 133 બ્રિજ બંધ કરવામાં આવ્યા? હાઈ કોર્ટે માર્ગ અને મકાન વિભાગ વિભાગની કામગીરીને અંગે નારાજગી વ્યકત કરી હતી. ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે એડવોકેટ જનરલે કોર્ટમાં માફી માંગવી પડી હતી.

મોરબી બ્રિજ દુર્ઘટના બાદ દરેક બ્રિજ ચેક કરાયા હતા અને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ વર્ષ 2023માં મૂકવામાં આવ્યો હતો. જે મુજબ દર ચોમાસા પહેલા બ્રિજ ચેક કરવાના હોય છે. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, સરકારે દરેક અધિકારીઓને બોલાવી ઇન્સ્પેક્શન રિપોર્ટ મંગાવ્યા છે તેને ફરીથી જોવામાં આવશે. ચોમાસા પહેલા અને પછી બ્રિજની તપાસ કરવામાં આવે જ છે.

એડવોકેટ જનરલે કહ્યું હતું કે, વર્ષમાં બે વખત બ્રિજના ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. વડોદરા બ્રિજ દુર્ઘટના અંગે રાજ્ય સરકાર વતી પક્ષ મુક્ત એડવોકેટ જનરલે વેરી સોરી માય લોર્ડ કહીને કોર્ટની માફી માંગી હતી. હાઇ કોર્ટે કટાક્ષ કર્યો હતો કે ચોમાસા પહેલાનું બ્રિજનું ઇન્સ્પેક્શન થયું હતું, તો શા માટે વડોદરાની ઘટના બાદ ફરીથી ઇન્સ્પેક્શન કરાયું તેવો સવાલ પણ હાઈ કોર્ટે કર્યો હતો.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button