પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને ઝટકો: હાઇ કોર્ટે ‘ક્લાસ-1’ કેદીનો દરજ્જો અને જેલ ટ્રાન્સફરની અરજી ફગાવી…

અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા કરાયેલી બે મહત્ત્વની અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કેદીઓ વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં. આમ કરવું સમાનતાના બંધારણીય સિદ્ધાંત વિરુદ્ધ છે.
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે રાજકોટ જેલમાંથી પાલનપુર જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ સાથે એક અરજી કરવામાં આવી હતી. જ્યારે બીજી અરજીમાં રાજ્ય સરકારને તેમને ક્લાસ-1 કેદી તરીકે જાહેર કરવા માટે નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી.
સરકારી વકીલે અરજીનો સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે, દોષિત ઠરેલા કેદીઓ માટે કોઈ ક્લાસની સગવડ હોતી નથી. વકીલે દલીલ કરી હતી કે સંજીવ ભટ્ટ વર્ષ 2019થી જેલમાં છે અને રાજકોટ જેલમાં ટ્રાન્સફર થયા બાદ જ આ અરજી કરી છે, જ્યારે પાલનપુર જેલમાં તેમને કોઈ વાંધો નહોતો. વધુમાં તેમણે જણાવ્યું કે, જેલમાં હાલમાં અન્ય આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પણ છે, પરંતુ તેઓ આવી કોઈ માગ કરતા નથી.
સરકારે કોર્ટનું ધ્યાન દોર્યું કે ગુનેગારે કરેલા ગુનાની પ્રકૃતિ પણ ધ્યાને લેવી જોઈએ અને જેલમાં સ્પેશિયલ ક્લાસ પાડી શકાય નહીં. અરજદાર પક્ષ દ્વારા ભટ્ટને સ્ટ્રેસ અને આર્થરાઇટિસની બીમારી હોવાની રજૂઆત કરવામાં આવી હતી, જેના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું કે ડોક્ટરના રિપોર્ટમાં આર્થરાઇટિસનો ઉલ્લેખ નથી અને જેલ રિપોર્ટ મુજબ તેઓ યુવાનોને શરમાવે તેવી કસરત કરે છે.
હાઈ કોર્ટે અરજદારની રજૂઆતોને સામાન્ય ગણાવીને નોંધ્યું હતું કે, જેલમાં જરૂરી મેડિકલ સુવિધાઓ મળતી જ હોય છે અને મેડિકલ અસુવિધાની કોઈ ફરિયાદ પણ અરજદારે કરી નથી. કોર્ટે અંતિમ નિર્ણય આપતાં જણાવ્યું કે, કેદીઓ વચ્ચે ભેદભાવ કરવો એ સમાનતાના બંધારણીય સિદ્ધાંત વિરુદ્ધ છે. આ આધારે, કોર્ટે સંજીવ ભટ્ટને ક્લાસ-1 કેદીની સવલત આપવાની તેમજ જેલ ટ્રાન્સફરની બંને અરજીઓ નકારી કાઢી હતી.
આ પણ વાંચો…ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે શું આપ્યો મોટો ઝટકો? જાણો વિગતવાર