અમદાવાદ

GST કલેક્શનમાં અમદાવાદનો દબદબો: એક વર્ષમાં સરકારની તિજોરીમાં ઠાલવ્યા રૂ. 33722કરોડ

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની આવકમાં તોતિંગ વધારો થયો હતો. રાજ્યમાં નાણાકીય વર્ષ 2024-25માં રૂપિયા 73277.56 કરોડની આવક થઈ હતી. જે પૈકી નાણાકીય વર્ષ 2024-25માં અમદાવાદમાંથી જ 33722.72 કરોડની આવક જીએસટીથી થઈ હતી. ગુજરાતીઓએ એક વર્ષમાં જીએસટી પાછળ જે રકમ ચૂકવી હતી તેમાંથી અડધાથી વધુ એટલે કે 52. 56 ટકા માત્ર અમદાવાદમાંથી થઈ છે.

અમદાવાદીઓ પાસેથી દરરોજ સરેરાશ કેટલો જીએસટી વસૂલાય છે

અમદાવાદીઓ પાસેથી દરરોજના સરેરાશ રૂપિયા 92.39 કરોડ જીએસટી પેટે વસૂલવામાં આવ્યા હતા. જીએસટી પાછળ સૌથી વધુ રકમ વસૂલાઇ હોય તેવા જિલ્લામાં સુરત 6689.51 કરોડ સાથે બીજા, વડોદરા 5873.69 કરોડ સાથે ત્રીજા સ્થાને હતી. ગુજરાતને જીએસટીથી થતી આવકમાં પણ નોંધપાત્ર વધારો થતો ગયો છે. 2021-22માં 45464.45 કરોડની આવક હતી તે 2022-23માં 56064 કરોડ, 2023-24માં 64132 કરોડ અને 2024-25માં 73277 કરોડ પર પહોંચી હતી.

નવેમ્બર 2025માં ગુજરાતની જીએસટી આવક

નવેમ્બર 2025માં ગુજરાતમાં જીએસટીની આવક રૂ. 6723 કરોડ થઈ હતી. જે નવેમ્બર 2024માં થયેલી રૂ., 6655 કરોડ કરતાં એક ટકા વધારે હતી. નવેમ્બર 2025માં રાષ્ટ્રીય સ્તરે જીએસટીની આવકમાં માત્ર 0.7 ટકાનો વધારો થયો હતો.

આ બાબતે મહારાષ્ટ્ર મોખરે

નાણાકીય વર્ષ 2024-25માં દેશના જે રાજ્યમાંથી જીએસટીની સૌથી વધુ આવક થઇ હોય તેમાં મહારાષ્ટ્ર 3.60 લાખ કરોડ સાથે મોખરે, કર્ણાટક 1.60 લાખ સાથે બીજા, ગુજરાત ત્રીજા, તામિલનાડુ ચોથા જ્યારે હરિયાણા પાંચમાં સ્થાને છે. નાણાકીય વર્ષ 2026માં એપ્રિલથી નવેમ્બર સુધી 52390કરોડ વસૂલવામાં આવ્યા છે. ગત વર્ષે આ સમયગાળામાં વસૂલવામાં આવેલી રકમ રૂપિયા 48 હજાર કરોડ હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button