અમદાવાદની ઓળખ બની ગયેલા સાબરમતી રિવરફ્રન્ટને આ રીતે વિકસાવશે સરકાર

અમદાવાદઃ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અત્યારે શહેરની શોભા છે. અહીં રોજ હજારો લોકો આવે છે. એટલું જ નહીં પરંતુ વારે-તહેવારે અહીં મોટા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના કારણે હવે રાજ્ય સરકાર તને વધારે વિકાસ કરવાનો વિચારી રહી છે. સાબરમતી રિવેરફ્રન્ટનો કુલ 7 ફેઝમાં વિકાસ કરવામાં આવશે. જેમાંથી 2 ફેઝ અમદાવાદમાં એટલે અમદાવાદ મહાનગરપાલિકા હેઠળ આવે છે. જ્યારે આગળની ફેઝનો વિકાસ કરવા માટે એક નવી સમિતિની રચના કરવી પડશે. થોડા સમયમાં જ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ-3 પર કામ શરૂ થવાનું છે. ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધીનો 4.5 કિમીના રૂટ રૂપિયા 1,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.
દેશનો સૌથી લાંબો શહેરી વોટરફ્રન્ટ બનશે સાબરમતી રિવરફ્રન્ટ
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી તે દેશનો સૌથી લાંબો શહેરી વોટરફ્રન્ટ બની જવાનો છે, જે ગુજરાતના વિકાસમાં એક નવું નજરાણું સાબિક ખશે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે સરકારે કુલ સાત ફેઝનું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ અત્યારે અમદાવાદ શહેરમાં વિસ્તરેલો છે, હવે તેનો વિસ્તાર વધારવા માટે કામ કરવાનું હોવાથી રાજ્ય સરકાર તેના અમલીકરણ માટે SPV સ્થાપવાનો વિચાર કરી રહી છે. વર્તમાનની વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટનું સંચાલન સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDCL) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવે છે.
ગાંધીનગરના સંત સરોવર સુધી લંબાશે રિવરફ્રન્ટ
AMC હદમાં આવેલા ફેઝ 1 અને 2 ની સારી એવી સફળતા મળી છે, જેથી રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને ગાંધીનગરના સંત સરોવર સુધી લંબાવ્યો છે. મહત્વની વાત એ છે કે, અમદાવાદ મહાનગરપાલિકાના હદ બે તબક્કા સુધી જ છે. પછી ગાંધીનગરની હદ શરૂ થાય છે, જેથી રાજ્ય સરકાર તેનું સંચાલન કરવા માટે નવી કંપની બનાવશે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વાત કરાવમાં આવે તો તેની કુલ લંબાઈ 38.02 કિમી હશે, જેમાં ફેઝ-1 સૌથી લાંબો 11.02 કિમી હશે. ફેઝ-2 5.5 કિમી છે, જ્યારે આગામી ફેઝ-3 4.5 કિમીનો બનાવવામાં આવશે. ફેઝઃ3 ખાનગી કંપની શોભા રિયલ્ટી દ્વારા વિકસાવવામાં આવશે.
આ પણ વાંચો…ગુજરાતમાં 2 વર્ષમાં કેટલી GST ચોરી પકડાઈ? સરકારે વિધાનસભામાં આપી માહિતી…
આ રહી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સમગ્ર વિગતો
વધુમાં વાત કરવામાં આવે તો, ફેઝ-4 નર્મદા નહેરથી પીડીપીયુ બ્રિજ સુધી 4.5 કિમી લાંબો હશે. ફેઝ-5 પીડીપીયુથી ગિફ્ટ સિટી સુધી 4.9 કિમી લાંબો હશે, જ્યારે ફેઝ-6 જે સૌથી નાનો ભાગ છે, તે ગિફ્ટ સિટીથી સંત સરોવર બેરેજ સુધી માત્ર 1.6 કિમી જ લાંબો હશે. છેલ્લા એટલે કે ફેઝ-7 ની વાત કરવામાં આવે તો તે પાવર સ્ટેશન ગાંધીનગર સુધી 6 કિમી લાંબો હશે. આ પ્રોજેક્ટમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, પીડીપીયુ, ગિફ્ટ સિટી અને વિધાનસભા સહિત અમદાવાદ અને ગાંધીનગરના તમામ મહત્વપૂર્ણ સ્થળોનો સમાવેશ કરી લેવામાં આવશે. રાજ્ય સરકારનો આ પ્રોજેક્ટ લોકો માટે પણ ઘણો ફાયદાકારક રહેવાનો છે.